નીતિન ગડકરીને અપાયુ કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ
કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ભાજપમાં સર્વત્ર આંતરિક ખટરાગ છે. નીતિન ગડકરી પણ ભાજપમાં નારાજ છે અને ત્યાં તેમની સ્થિતિ સારી નથી. અમે તેમને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ. તેઓ અમારી સાથે આવે અમે તેમને સમર્થન આપીશું. નાના પટોલે અકોલામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કોંગ્રેસ એક મોટી લોકતાંત્રિક પાર્ટી છે. આમાં કોઈપણ પદાધિકારી નેતાને બોલવાનો પૂરો અધિકાર છે પરંતુ ભાજપમાં એવું નથી. હાલમાં જે રીતે નીતિન ગડકરીની હાલત પાર્ટીમાં ચાલી રહી છે તે યોગ્ય નથી. પટોલે કહ્યું નીતિન ગડકરી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. હું તેમને આમંત્રણ આપું છું. આવો અમારી સાથે જોડાઓ. તમને યોગ્ય માન, સન્માન અને પદ મળશે. અમે તમને ટેકો આપવા તૈયાર છીએ.
ટૂંક સમયમાં જ પાટોલે મળશે ગડકરીને
વધુમાં જાણવા મળ્યું હતું કે, તેઓને મીડિયા સામે આમંત્રણ આપનાર પ્રદેશ પ્રમુખ ટૂંક સમયમાં તેને મળવા જવાના છે. આ અંગે પટોલેએ કહ્યું કે અમે ટૂંક સમયમાં ગડકરીને મળવાના છીએ. અમે આ મામલે તેમની સાથે વાતચીત કરીને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપીશું.
સંસદીય બોર્ડમાં સ્થાન મળતા રાજકરણ ગરમાયું
ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા દર વખતે કોઈક ને કોઈક નેતાઓને તેમના પદથી દૂર કરી નવા નેતાઓને ચાન્સ આપવામાં આવતો હોય છે ત્યારે બીજેપીના સંસદીય બોર્ડમાં સ્થાન મળતા વધુ એક ઉગતા ચહેરાને મોદી સરકારે નમસ્કાર કહીને કદ ઘટાડી દીધું હોવાનું બજાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતુ. જોકે મોદી સરકારે તેમને કેન્દ્રીય કેબિનેટમાં આપેલ ખાતાઓમાં કોઈ ફેરફાર નથી કર્યો પરંતુ બોર્ડમાંથી ગડકરીને બાકાત રખાતા રાજકરણ ગરમાયું છે.