

અરુણાચલ પ્રદેશમાં કિબિથુ મિલિટરી સ્ટેશન હવે જનરલ બિપિન રાવત મિલિટરી ગેરિસન તરીકે ઓળખાશે. આ સિવાય અરુણાચલ પ્રદેશના વાલોંગથી કિબિથુ સુધી જતો 22 કિલોમીટર લાંબો રસ્તો પણ જનરલ બિપિન રાવત તરીકે ઓળખાશે. અરુણાચલ પ્રદેશ સરકારની પહેલ પર દેશની પ્રથમ સીડીએસને આ સન્માન આપવામાં આવ્યું છે.
જનરલ બિપિન રાવત મિલિટરી સ્ટેશન
શનિવારે, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રાએ મુખ્ય પ્રધાન પેમા ખાંડુ અને વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની હાજરીમાં કિબિથુ મિલિટરી સ્ટેશન પર CDS જનરલ બિપિન રાવતના નામે એક મોટા ગેટનું ઉદ્ઘાટન કર્યું. આ દરવાજો અરુણાચલ પ્રદેશની પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સેરેમની દરમિયાન જનરલ રાવતની દીકરીઓ પણ કિબિથુમાં હાજર હતી.
જનરલ બિપિન રાવતનો કિબિથુ સાથે જૂનો સંબંધ
તમને જણાવી દઈએ કે, CDS જનરલ બિપિન રાવતે વર્ષ 1999-2000માં કર્નલ તરીકે કિબિથુમાં તેમની 5-11 GR એટલે કે ગોરખા રાઈફલ્સ યુનિટના કમાન્ડ તરીકે ફરજ બજાવી હતી. તે દરમિયાન જનરલ રાવતે ચીનને અડીને આવેલા આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને ઘણી મજબૂત કરી હતી. તેમણે દેશના સૌથી દૂરના વિસ્તારો પૈકીના એક કિબિથુમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેનાથી સ્થાનિક લોકોને ઘણો ફાયદો થયો હતો.
#WATCH | Former CDS Late General Bipin Rawat honoured today in Arunachal Pradesh where Kibithu military camp was named "General Bipin Rawat Military Garrison." Gen Rawat had commanded his unit 5/11 Gorkha Rifles at this camp as a Colonel. pic.twitter.com/A0d68NjYBm
— ANI (@ANI) September 10, 2022
બિપિન રાવતનું ગયા વર્ષે અવસાન થયું હતું
ગયા વર્ષે 8 ડિસેમ્બર, 2021 ના રોજ, જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના સન્માનમાં, રાજ્ય સરકારે કિબિથુ મિલિટરી સ્ટેશન અને વાલોંગથી કિબિથુ સુધીનો રસ્તો CDSને સમર્પિત કર્યો છે. 1962ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશના વાલોંગમાં ભારતીય સેનાએ ચીની સેનાને હારનો સ્વાદ ચખાડ્યો હતો. જ્યારે અન્ય જગ્યાએ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.