ન્યૂયોર્ક : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં તટસ્થ વલણ જાળવી રાખતા ભારત યુક્રેનમાં માનવીય સંકટ અંગે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં રશિયાએ રજૂ કરેલા પ્રસ્તાવથી દૂર રહ્યું હતું અને મતદાન કર્યું નહોતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ભારત સહિત અન્ય 12 સભ્યો રશિયાના પ્રસ્તાવ અંગેના મતદાનથી દૂર રહ્યા હતા.બેલારુસ, સિરીયા અને ઉત્તર કોરિયાના ટેકા સાથે રશિયાએ UNSCમાં એક પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, ‘કર્મચારીઓ, મહિલાઓ અને બાળકો સહિત યુક્રેનના નાગરિક સંપૂર્ણપણે સુરક્ષિત છે. લોકોની સુરક્ષા અને તેમને ઝડપથી યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવા માટે, વાતચીત માટે સંઘર્ષ વિરામનું આહ્વાન કરવામાં આવે.’ રશિયાના આ પ્રસ્તાવમાં યુક્રેન પર આક્રમણ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ભારત સહિત 12 અન્ય સભ્ય દેશો રશિયાના આ પ્રસ્તાવને સમર્થન આપતું મતદાન કરવાથી દૂર રહ્યા હતા. જોકે, કોઈપણ દેશે આ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું નહોતું. પરંતુ આ બધાની વચ્ચે ચીને રશિયાની તરફેણમાં મતદાન કર્યું હતું.
‘લોકોના જીવની ચિંતા હોય તો આ યુદ્ધ રોકો’
ભારતે રશિયાના આ પ્રસ્તાવ પર મતદાનથી દૂર રહેવાની સાથે તે અંગે નિવેદન કરવાનું પણ ટાળ્યું હતું. આ અગાઉ યુક્રેન પર રશિયાના આક્રમણ અંગે પશ્ચિમી દેશોની બે દરખાસ્ત અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એક વખત ભારતે મતદાનમાં ભાગ નહોતો લીધો. જોકે, અમેરિકાએ રશિયાના આ પ્રસ્તાવને દુસ્સાહસ જાહેર કર્યો હતો. અમેરિકન રાજદૂત લિંડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું, અમેરિકા આ પ્રસ્તાવથી પોતાને દૂર રાખે છે, કારણ કે બગડતી માનવીય પરિસ્થિતિઓ માટે રશિયા જવાબદાર છે. તેને લાખો લોકોના જીવન અને સપનાઓની ચિંતા હોય તો તેણે આ યુદ્ધ રોકી દેવું જોઈએ.રશિયા હુમલાખોર અને આક્રમણકારી છે. બ્રિટનના રાજદૂત બારબરા વુડવર્ડે કહ્યું કે તેમનો દેશ સુરક્ષા પરિષદ અથવા મહાસભામાં યુક્રેનમાં માનવીય વિનાશનું એકમાત્ર કારણ રશિયા હોવાનું ન માનતો હોય તેવા કોઈપણ પ્રસ્તાવ માટે મતદાન નહીં કરે.
‘નાગરિકોને બહાર કાઢવા માટેનું ત્રીજું ઓપરેશન’
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુએન સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે, યુક્રેનિયન શહેર મારિયુપોલ અને એઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાંથી નાગરિકોને બહાર કાઢવા માટેનું ત્રીજું ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ અને ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (આઈસીઆરસી) એ છેલ્લા અઠવાડિયામાં બે ઓપરેશન દ્વારા અત્યાર સુધીમાં લગભગ 500 નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લાવવામાં મદદ કરી છે.
યુક્રેનની હોસ્પિટલોમાં દવાઓની અછત
છેલ્લા 71 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હાલ મોસ્કો તરફથી હુમલા રોકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ રશિયા પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રશિયાના સતત હુમલાઓના કારણે યુક્રેનમાં સેંકડો હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓને નુકસાન પહોંચ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વીય અને દક્ષિણ યુક્રેનના વિસ્તારની હોસ્પિટલોમાં દવાઓની અછત સર્જાઈ છે. સાથે જ સર્જરી કરવા માટે જરૂરી સાધનો અને સારવાર માટેની દવાઓ વિના ડૉક્ટરો પરેશાની ભોગવી રહ્યા છે.