ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી : ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો

Text To Speech

પાલનપુર : પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પગપાળા યાત્રા કરીને અંબાજી આવીને માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રસંગમાં ઘણા માઇભક્તો ગરબામાં જોડાઇ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે.

અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.

અંબાજી

કલેકટર આનંદ પટેલ મેળાની પરિસ્થિતિ અને વિશેષ તો યાત્રિકોની સુવિધાઓ પર ઝીંણવટભરી સતત કાળજી અને વોચ રાખી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સેવાભાવ સાથે ખડેપગે સેવામાં રહે છે. દર્શન માટે અંબાજી મંદિર પરિસરમાં સારી વ્યવસ્થા હોવાથી યાત્રિકોની લાંબી લાઇનો છતાં કોઇને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતુ નથી. પ્રસાદ કેન્દ્રો પણ પુરતી સંખ્યામાં હોવાથી યાત્રિકોને કોઇ તકલીફ પડતી નથી.

અંબાજી

ભાદરવી મહામેળામાં લોકો અંબાજી ચાલતા કેમ જાય છે

ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ચાલતા- પદયાત્રા દ્વારા જવાનો ખાસ મહિમા છે. આદ્યશક્તિ મા અંબે શક્તિ સ્વરૂપ હોવાથી ચાલીને, કષ્ટદ વેઠતા અંબાજી જવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવી પણ માન્યતા છે. ઉપરાંત ભાદરવી મહામેળા પછી આસો માસમાં નવરાત્રિ આવે છે. આથી નવરાત્રિમાં પોતાના ગામની માંડવડીમાં રમવા પધારવા માતાજીને આમંત્રણ આપવા માઇભક્તો ચાલતા અંબાજી આવે છે.

Back to top button