વિરાટ કોહલીએ ચાહકોને સૌથી મોટી ભેટ આપી, 1021 દિવસ પછી સદી ફટકારી
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની સફર ફાઈનલમાં પહોંચતા પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ તેની છેલ્લી મેચ માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી, જ્યાં તેનો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. ભલે આ મેચમાં ભારત માટે કંઈ જ હાંસલ થયું ન હતું, પરંતુ ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો, ખાસ કરીને વિરાટ કોહલીના ચાહકોની સૌથી મોટી રાહ પૂરી થઈ ગઈ છે – વિરાટ કોહલીની 71મી સદી આખરે આવી ગઈ છે. કોહલીએ અફઘાનિસ્તાન સામે માત્ર 53 બોલમાં પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી.
ઇન્ડિયા માટે અગાઉ ક્યારેય સદી ફટકારી નથી
એશિયા કપની શરૂઆત પહેલા ફોર્મને લઈને સૌથી વધુ સવાલોના ઘેરામાં આવેલા વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં પોતાની મેચમાં લય હાંસલ કરી અને ત્યારબાદ 1021 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારીને ખોવાયેલું ફોર્મ પાછું મેળવ્યું. કોહલીની સદીનો દુષ્કાળ, જે નવેમ્બર 2019 થી ચાલી રહ્યો છે, તે ફોર્મેટમાં સમાપ્ત થયો જ્યાં તેણે ટીમ ઇન્ડિયા માટે અગાઉ ક્યારેય સદી ફટકારી ન હતી.
બે અડધી સદી સાથે વાપસી કરી
કોહલીએ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટ મેચમાં તેની છેલ્લી એટલે કે 70મી સદી ફટકારી હતી, પરંતુ ત્યારથી તે સદી માટે તલપાપડ હતો. ત્યારબાદ છેલ્લા લગભગ એક વર્ષથી તેના બેટમાંથી રન આવવાનું બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં એશિયા કપ અને પછી વર્લ્ડ કપમાં તેની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ કોહલીએ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ બે અડધી સદી સાથે વાપસી કરી હતી.