કાલે બાપ્પાની વિદાય : શાસ્ત્રી મેદાનથી સવારે 10-30 વાગે મુખ્ય વિસર્જન યાત્રાનો પ્રારંભ
રાજકોટ : રાજકોટમાં તા. 31 ઓગસ્ટથી શરૂ થયેલા ગણેશ મહોત્સવનું આવતીકાલે સમાપન થઇ રહ્યું છે. આવતીકાલે સવારે 10-30 વાગે શાસ્ત્રી મેદાનથી મુખ્ય વિસર્જનયાત્રાનો પ્રારંભ થશે. અને ‘ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ..’ના નાદ અને ડીજેના તાલ સાથે બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવશે. શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રારંભ થનારી મુખ્ય વિસર્જન યાત્રામાં 45થી વધુ મંડળો જોડાશે અને, ખોખડદડ નદી ખાતે ભાવભેર મુર્તિનું વિસર્જન કરવામાં આવશે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મુર્તિ વિસર્જન માટે અલગ અલગ સાત સ્થળો જાહેર કરવામાં આવ્યા છે.
આ તમામ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ઉપરાંત મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગની ટીમ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવશે. ફાયરબ્રિગેડ દ્વારા વિસર્જન માટે નિયત કરાયેલા સાત સ્થળોએ દસ દસ કર્મચારીઓની ટીમ તૈનાત કરાશે.આવી જ રીતે મહાનગરપાલિકાની વિજીલન્સ ટીમ પણ કાર્યરત રહેશે. રાજકોટમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવનું આવતીકાલે સમાપન થઇ રહ્યું છે. આ વર્ષે એક તિથી ઓછી હોવાથી દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ યોજાયો હતો. આવતીકાલે અનંત ચતુર્દશીની તિથી સાથે વિધ્ન વિનાયકને ભાવભરી વિદાય આપવામાં આવશે. રાજકોટમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉપરાંત ઘેર ઘેર ગણેશ સ્થાપના, ફ્લેટ્સ અને સોસાયટી વિસ્તારોમાં પણ ગણેશ સ્થાપના કરવામાં આવી છે. આમ તો ઘરઆંગણે બીરાજેલા ગણેશજીની પ્રતિમાનું ત્રણ, પાંચ કે સાત કે અગિયારમા દિવસે વિસર્જન કરવામાં આવતુ હોય છે. રવિવારે પાંચમાં દિવસે શહેરના ચાર સ્થળોએ 769 મુર્તિઓનું વિસર્જન કરાયું હતુું.
આવતીકાલે મુખ્ય વિસર્જન સાથે ગણેશ મહોત્સવનું સમાપન થશે. શહેરના ત્રિકોણબાગ કા રાજા સહિતના મુખ્ય સાતથી આઠ મોટા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સવારે બાપ્પાનું પુજન કરાયા બાદ 10-30 વાગે શાસ્ત્રી મેદાન ખાતે 45 જેટલાં મંડળો એકત્ર થશે. અને અહીંથી ખોખડદડ ખાતે જઇને સામુહિક રીતે મુર્તિનું વિસર્જન કરશે.
આ 7 સ્થળોએ કરી શકાશે વિસર્જન
પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખાએ જાહેર કરેલા સ્થળો મુજબ આવતીકાલે સાત સ્થળો ગણેશ વિસર્જન માટે નિયત કરવામાં આવ્યા છે.
આજીડેમ ઓવરફ્લો નીચે ચેકડેમ પાસે ખાણ નં. 1.
આજીડેમ ઓવરફ્લો નીચે ચેકડેમ પાસે ખાણ નં. 2.
આજીડેમ ઓવરફ્લો ચેકડેમ.
પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે મવડી ગામ આગળ
ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ખાણમાં જામનગર રોડ.
બાલાજી વેફર્સની સામે વાગુદડના પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ.
એચ. પી.ના પેટ્રોલ પંપ સામે, રવિવારીબજાર વાળું મેદાન, આજીડેમ પાસે, ભાવનગર રોડ.
‘મહાનગરપાલિકા વિજીસલન્સ ટીમ પણ મદદમાં રહેશે’
‘ગણેશ વિસર્જનને અનુલક્ષી મહાનગરપાલિકાની વિજીલન્સ ટીમ પણ મદદમાં રહેશે. વિજીલન્સ શાખાના સ્ટાફને બંદોબસ્ત જાળવવા અને કોઇ જગ્યાએ કોઇ માથાકુટ કે બબાલ ન થાય તે માટે તૈનાત કરવામાં આવશે. આ માટે આજીડેમ, હનુમાનધારા અને ન્યારી ડેમ ઓવરફ્લો વિસ્તારમાં બંદોબસ્ત મુકાશે.’
-આર.બી. ઝાલા (ડીવા.એસ.પી. વિજીલન્સ)
વિસર્જનના સાત સ્થળોએ ફાયરબ્રિગેડની સાત ટીમો તૈનાત રખાશે
આવતીકાલે ગણેશ મહોત્સવને અનુલક્ષીને વિસર્જન માટે નિયત કરાયેલા સાત સ્થળોએ ફાયરબ્રિગેડની ટીમ સવારે સાત વાગ્યાથી તૈનાત રાખવામાં આવશે. તમામ સ્થળોએે એક સ્ટેશન ઓફિસર, એક લિડીંગ ફાયરમેન, ફાયરમેન અને ડ્રાયવર એમ દસ કર્મચારીઓનો સ્ટાફ બોટ, ક્રેઇન લાઇફ રીંગ અને લાઇફ જેકેટ સાથે તૈનાત રહેશે. એકપણ ભાવિકને વિસર્જન માટે નદીના ઉંડાણમાં જવા દેવામાં આવશે નહીં. આયોજકોએ મુર્તિઓ સોંપી દેવાની રહેશે અને ફાયરબ્રિગેડનો સ્ટાફ વિસર્જન કરી દેશે. જ્યાં સૌથી વધુ મુર્તિનું વિસર્જન કરવામાં આવે છે તેવા ન્યારા, જખરાપીર અને આજીડેમ વિસ્તારમાં ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે, ન્યારી ડેમ, આજીડેમ અને જખરાપીર તેમજ વાગુદડમાં બોટની વ્યવસ્થા કરવામાં આવશે. -ઇલેશ ખેર (ચિફ ફાયર ઓફિસર)
‘વિસર્જન માટે સવારનો સમય સૌથી શ્રેષ્ઠ’
આમ તો અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કોઇપણ સમયે થઇ શકે છે. પણ આવતીકાલે સવારનો સમય વધુ શ્રેષ્ઠ છે. સવારે 6-26 થી 10-56 સુધીનો સમય વધુ સારો છે. સાંજે 6-08થી વિષ્ટી યોગ છે. પણ, ગણેશ વિસર્જન માટે વિષ્ટી યોગ અસરકર્તા નથી. આથી આખા દિવસ દરમિયાન કોઇપણ સમયે વિસર્જન કરી શકાશે. -ઘનશ્યામભાઇ ઠક્કર (ગાયત્રી ઉપાસક)