અમદાવાદઃ સફાઈનો વિવાદ વકર્યો, ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટીએ જે-તે સમયે નગરપાલિકાના આપેલા રેકોર્ડ મુજબ 53 જેટલા સફાઈકામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક આપતાં હવે વિવાદ થયો છે. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેટલાક સફાઈકામદારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા સફાઈકામદારોની માગણી ન સંતોષવામાં આવતાં કેટલાક સફાઈકામદારોએ રોડ પર જ ફિનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્રણ સફાઈકામદારે ફિનાઇલ પી લેતાં સારવાર માટે તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે.
કાયમી કરવાની માગને લઈ વિરોધ
બોપલ વિસ્તારમાં સફાઈ માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમાંથી કેટલાક કર્મચારીઓ હાજર થઈ જતા આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ શરૂ થઈ ગઈ છે. જોકે કેટલાક સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં અડચણરૂપ બની રહ્યા છે અને તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાયમી કરવાની માગણીને લઈને સફાઈકામદારોએ વિરોધ કર્યો હતો.
અમદાવાદમાં વકર્યો સફાઈનો વિવાદ : ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ#ahmedabad #ahmedabadnews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/ujiX3Zljfh
— Hum Dekhenge News (@humdekhengenews) September 8, 2022
53 જેટલા કર્મચારીઓનું લિસ્ટ કોર્પોરેશનને અપાયું
મળતી માહિતી મુજબ, બોપલ અને ઘુમાં વિસ્તારમાં સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે 53 જેટલા કર્મચારીઓનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું. આ 53 કર્મચારીને વિવાદ બાદ 2 સપ્ટેમ્બરના રોજ રોજિંદા કર્મચારીઓ તરીકે લેવાયા હતા. કેટલાક કર્મચારીઓને નોકરી પર લેવામાં ન આવ્યા હોવાને લઈને સફાઈકામદારોએ આજે વિરોધ કર્યો હતો. સફાઈકામદારોની માગણી સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 25 જેટલાં મહિલા અને પુરુષ કામદારો બોપલ વિસ્તારમાં સફાઈ ચાલતી હતી ત્યારે પહોંચી ગયાં હતાં. મહિલાઓ અને પુરુષોએ માથે ફિનાઇલ નાખીને પી લીધું હતું. જોકે ઘટનાસ્થળે હાજર પોલીસે પણ તેમના હાથમાંથી ફિનાઇલ લઈ લીધું હતું.
પોલીસ-બંદોબસ્ત સાથે બોપલ વિસ્તારમાં સફાઈ કરાઈ
બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ માટે પહેલા 53 અને બાદમાં વિવિધ ઝોનમાંથી 119 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. એમાંથી આજે કેટલાક કર્મચારીઓ હાજર થતાં સવારે પોલીસ-બંદોબસ્ત સાથે બોપલ વિસ્તારમાં સફાઈ શરૂ કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કલ્પેશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સફાઈ કરાવી હતી, પરંતુ અચાનક જ કેટલાક સફાઈકર્મચારીઓ ત્યાં પહોંચીને પોતાની માગણીઓ સાથેનો વિરોધ કર્યો હતો.