ગુજરાતવર્લ્ડસ્પોર્ટસ

અમેરિકામાં દેખાયો ભારતનો દમ, ગુજરાતની દીકરીએ જીત્યા દિલ

Text To Speech

મૂળ ગુજરાતની જાન્યાએ અમેરિકામાં 333 કિલોમીટરની જોખમી સાઈકલ રેસમાં જીત મેળવી માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારતનું નામ રોશન કર્યું છે. માત્ર 8 વર્ષની જાન્યા જીતની રકમ ગુજરાતનાં બાળકોના ભણતર માટે દાન કરશે.

Janya
Janya

રકમ ગુજરાતના બાળકોના ભણતર માટે કરશે દાન

કપડવંજના જાણીતા મુકુંદભાઈ હરજીવનદાસ તેલીની પેઢીવાળા પ્રદીપભાઈ તેલીની માત્ર 8 વર્ષની પૌત્રી જાન્યાએ ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરવા માટે અમેરિકામાં ધનરાશિ એકત્ર કરવા માટે સિયેટલથી પોર્ટલેન્ડના 333 કિલોમીટરની ભારે ઉતાર-ચઢાવવાળી, જોખમકારક વળાંકવાળી સાઇકલરેસ માત્ર 18 કલાક અને 20 મિનિટમાં પૂરી કરી હતી. શિક્ષણ માટે સાહસ અને સિદ્ધિ હાંસલ કરનાર જાન્યા કદાચ સૌથી નાની ઉંમરની બાળા છે, જેણે આ 5100 ફૂટ ઊંચાઈવાળી સાઇકલરેસ પૂર્ણ કરી છે. અમેરિકામાં 333 કિલોમીટરના અટપટા રસ્તા અને ભારે ઉતાર-ચઢાવવાળી, જોખમકારક સાઇકલરેસ પૂર્ણ કરી અદભુત સાહસ અને સિદ્ધિ સાથે દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જાન્યાને ક્યાંથી મળી પ્રેરણા?

અમેરિકામાં સિયેટલમાં ક્રિકસાઈડ એલિમેન્ટરી સ્કૂલમાં ધોરણ – 2માં અભ્યાસ કરતી જાન્યાના પિતા પાર્થિક તથા માતા અંકિતાએ આ રેસ 2017-18માં કરી હતી. એમાંથી પ્રેરણા લઈને જાન્યાએ પણ આ સાહસ કરવાનો નિશ્ચય કર્યો હતો. માતા-પિતાની પ્રેરણા અને પ્રોત્સાહન સાથે જાન્યા આવા ચઢાણવાળા રસ્તા પર ટૂંકી સાઇકલ રેસની તાલીમ લેતી ગઈ. ટૂંકી રેસ પૂર્ણ કર્યા બાદ દૃઢ નિશ્ચય સાથે આ રેસ પૂર્ણ કરી તેણે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાઇકલ રેસ દરમિયાન એકઠા કરેલા રૂપિયા 1 લાખ ભારતની દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આશા ફાઉન્ડેશનમાં મોકલવામાં આવશે. જાન્યા એથ્લેટિક અને સ્વિમિંગ પણ સુંદર રીતે કરી જાણે છે.

20 વર્ષથી રહે છે અમેરિકામાં

વિદેશમાં રહીને ભારતની સંસ્કૃતિને અનેક લોકો ભૂલી જાય છે. ત્યારે છેલ્લાં 20 વર્ષથી અમેરિકામાં રહેતાં પાર્થિક તેલી અને અંકિતાબહેન જેવાં માતા-પિતાએ સંસ્કારો અને ભારત પ્રત્યેનો લગાવ જાળવી રાખ્યા સાથે સાથે સંતાનમાં પણ આ દયા, પ્રેમ, લાગણી, સાહસ, સંઘર્ષ જેવા ભારતીય સંસ્કારોનું સિંચન કરી સૌના માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વ. મુકુંદલાલ હરજીવનદાસ તેલી પરિવારમાં શિક્ષણને પ્રાધાન્ય આપવાની પરંપરા 1955થી જ સ્થાપિત છે. સ્વ. મુકુંદકાકાએ આજથી 50 વર્ષ પહેલાં તેમનાં તમામ સંતાનોને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા. તેઓ પહેલેથી જ કન્યા કેળવણીમાં માનતા હોવાથી તેમણે દીકરીઓને ભણવા માટે પૂરેપૂરું પ્રોત્સાહન આપ્યું હતું.

Back to top button