સતત હાર બાદ ટીમના સિલેકશન અંગે રવિ શાસ્ત્રીએ ઉઠાવ્યા સવાલ
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માંથી બહાર થવાની અણી પર છે. પાકિસ્તાન અને શ્રીલંકા સામેની હાર બાદ હવે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર બધું નિર્ભર રહેશે. જો પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે જીતશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને પછી તેની છેલ્લી મેચ માત્ર ઔપચારિકતા બની રહેશે. તેવામાં ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટીમના સિલેકશન અંગે સવાલો ઉઠાવ્યા છે.
મોહમ્મદ શમીને ટીમમાં ન જોઈને આશ્ચર્યચકિત થયા શાસ્ત્રી
ભારતીય ટીમમાં ઝડપી બોલરોની કમી અંગે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું કે મોહમ્મદ શમીને ટીમમાં ન જોઈને તેઓ આશ્ચર્યચકિત છે. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે શમી તે વધારાનો ઝડપી બોલિંગ વિકલ્પ પ્રદાન કરી શક્યો હોત જે અવેશ ખાન અનફિટ થયા પછી અનુભવાયો હતો. પાકિસ્તાન સામેની છેલ્લી ઓવરની હાર બાદ ભારતે શ્રીલંકા સામે રવિ બિશ્નોઈની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને તક આપી અને દિનેશ કાર્તિક ફરી એકવાર બેંચ પર બેઠો. અવેશ ખાન અનફિટ હોવાનો અર્થ એ થયો કે ભારત પાસે ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહમાં માત્ર બે પેેસ બોલર હતા.
પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પણ એશિયા કપ માટે શમીની કરી હતી હિમાયત
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પણ એશિયા કપ માટે શમીને ભારતીય ટીમમાં સામેલ કરવાની હિમાયત કરી હતી. અકરમે શાસ્ત્રીને પૂછ્યું કે ટીમની પસંદગીમાં કોચનું શું ઇનપુટ છે? આ અંગે શાસ્ત્રીએ કહ્યું, ‘કોચ ભલે પસંદગી સમિતિનો ભાગ ન હોય, પરંતુ તે ‘આ અમને જોઈએ છે તે સંયોજન છે’ કહીને યોગદાન આપી શકે છે. બેઠકમાં કોચના દૃષ્ટિકોણને આગળ વધારવાની જવાબદારી કેપ્ટનની છે. ટીમમાં સ્પિનરને બદલે એક વધારાનો ફાસ્ટ બોલર હોવો જોઈતો હતો.
ઈંગ્લેન્ડ પ્રવાસમાં સૌથી સફળ બોલરોમાંનો એક
એવું નથી કે 31 વર્ષીય મોહમ્મદ શમી ફોર્મમાં નથી. તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ODI શ્રેણીમાં તે ભારતના સૌથી સફળ બોલરોમાંનો એક હતો. IPL 2022માં પણ તેનું પ્રદર્શન ગુજરાત ટાઇટન્સ માટે સારું રહ્યું હતું. એક બાબત જે ચોક્કસપણે શમીની વિરુદ્ધ જાય છે તે એ છે કે તેણે છેલ્લા વિશ્વ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો નથી. પરંતુ એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં શમી જેવા અનુભવી બોલરનો અભાવ ટીમને નુકસાન પહોંચાડી રહ્યો છે.