કોંગ્રેસમાં નવાજુનીના એંધાણ, 5 પ્રભારીઓ સુરત જવા રવાના
ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અમદાવાદ ખાતે સભા સંબોધન કરી બુથ કાર્યકર્તાઓમાં જોશ ભરીને ગયા છે. તેવામાં આજે શહેર કોંગ્રેસના 5 પ્રભારીઓ વડોદરા છોડી સુરત જવા રવાના થઇ ગયા છે.
વડોદરા કોંગ્રેસની આંતરિક જૂથબંધી
તમામ રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 182 બેઠક પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. જેમાં વડોદરામાં પાંચ બેઠકો પર પાંચ પ્રભારીની નિમણૂંક થઈ છે પરંતુ વડોદરા કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે તેઓની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
5 વિધાનસભા બેઠક દીઠ 5 પ્રભારી પોતાના મૂક્યા
કોંગ્રેસે મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી તરીકે ઉષા નાયડુને મૂક્યા હતા. જ્યારે બી.એમ.સંદીપ પાસેથી મધ્ય ગુજરાતનો ચાર્જ પરત લઇ લેવાયો હતો. આથી, બી.એમ.સંદીપ પોતાની સાથે પાંચેય પ્રભારીઓને સુરત લઈ ગયાની ચર્ચા ચાલી રહી છે. હાલ બી.એમ.સંદીપ પાસે દક્ષિણ ગુજરાત ઈન્ચાર્જની જવાબદારી છે. શહેરમાં પ્રભારીઓના ઉતારાની વ્યવસ્થા ન થતા તેઓ જતા રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. AICCના સેક્રેટરી બી.એમ.સંદીપને અગાઉ વડોદરા શહેર-જિલ્લાનો ચાર્જ સોંપ્યો હતો. શહેરની 5 વિધાનસભા બેઠક દીઠ 5 પ્રભારી પોતાના મૂક્યા હતા.
કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી જાહેરમાં બહાર આવી
વડોદરાની પાંચ વિધાનસભાની બેઠકના પાંચ પ્રભારીની નિમણૂંક કર્યા બાદ તેઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં ન આવતા તેઓ વડોદરા છોડીને ચાલ્યા સુરત ચાલ્યા ગયા હોવાથી એકવખત ફરી કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચેના સંકલનના અભાવ અંગે પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા સયાજીગંજ વિધાનસભાની બેઠકની ચર્ચા માટે કાર્યકરોની મળેલી બેઠકમાં જાતિના સમીકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. ત્યારે પ્રદેશના અગ્રણીની ઉપસ્થિતિમાં સયાજીગંજની બેઠક અંગે પાંચ ટકા પછાત વર્ગના મત હોવા છતાં અગાઉ પૂર્વ પ્રમુખને ટિકિટ આપી હતી. જે અંગે સામસામે આક્ષેપબાજી થતા પૂર્વ પ્રમુખ બેઠક છોડીને ચાલ્યા ગયા હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી જાહેરમાં બહાર આવી હતી.