બનાસકાંઠા : અંબાજી મંદિરના શિખરની રોશનીનો ઝગમગાટ, ને પરિસરમાં મા અંબાની ગુંજ
પાલનપુર: અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં માઇ ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ભક્તો મા અંબાના દર્શન કરીને માથું ટેકવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મંદિર પરિસર સતત મા અંબાના જય ઘોષથી ગુંજી રહ્યું છે. મા અંબાના જયઘોષ સાથે જ અહીંનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ભક્તો માતાજીના શિખરે ધજા ચડાવી ભાવ વ્યક્ત કરે છે. અને નવરાત્રિના નવલા દિવસોમાં માતાજીને આમંત્રણ આપી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે. આ મહા મેળા દરમિયાન માતાજીના મંદિરને રોશનીથી ઝગમગાવામાં આવે છે.રાત્રિના સમયે મંદિરનું શિખર અને સમગ્ર સંકુલને રોશનીથી ઝળહળે છે. ત્યારે નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. આજે ભાદરવા સુદ બારસનો દિવસ છે. હવે ત્રણ દિવસ મેળો ચાલુ રહેશે. જેને લઈને અંબાજીમાં માઇ ભક્તોની શ્રદ્ધા નું ઘોડાપુર ઉમટી પડશે. અને માઈભક્તો મા અંબાના દર્શન કરી ધજા ચઢાવીને ધન્યતા અનુભવશે..
અંબાજી મંદિરના શિખરની રોશનીનો ઝગમગાટ, ને પરિસરમાં મા અંબાની ગુંજ#Ambaji #ambajitemple #Temple #palanpur #gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/7A7FWrI249
— Hum Dekhenge News (@humdekhengenews) September 7, 2022
માતાજીએ રાવણનો વધ કરવા રામને અજય બાણ આપ્યું હતું
આદ્યશક્તિ મા અંબાનું તીર્થસ્થાન અંબાજી બહુ પ્રાચીન સમયથી હોવાનું મનાય છે. સીતાજીને શોધતા ભગવાન રામ અને લક્ષ્મણ અંબાજી નજીક આવેલા અર્બુદાચલના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ઋષિએ તેઓને ગબ્બર મુકામે માતાજીના દર્શનાર્થે મોકલ્યા હતા. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીએ ભક્તિભાવપૂર્વક મા ની પૂજા-અર્ચના કરી હતી, ત્યારે માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો નાશ કરવા ભગવાન રામને અજયબાણ આપ્યુ હતુ ને એજ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચૌલકર્મ અંબાજીમાં મા અંબેના સ્થાનકે થયાનો પુરાણોમાં ઉલ્લેખ છે. ૫૧ શક્તિપીઠોમાં સમાવિષ્ટ અંબાજી શક્તિપીઠનો મહિમા અજોડ અને ભવ્ય છે. માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપરનું સ્થાનક મનાય છે. અંબાજી મુકામે યાત્રિકોની સુવિધા માટે નોંધપાત્ર વિકાસકામો કરવામાં આવતાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વરસે ૧.૨૫ કરોડથી વધુ દર્શનાર્થીઓ અંબાજી આવે છે.