ભારતને શ્રીલંકા સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે તેની ફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. 174 રનનો ટાર્ગેટ શ્રીલંકાની ટીમે 19.5 ઓવરમાં મેળવી લીધો હતો. આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે જલ્દી જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 0 અને કેએલ રાહુલ 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 72 અને સૂર્યાએ 34 રન બનાવ્યા હતા. જોકે, રોહિતના આઉટ થયા બાદ વિકેટો પડતી રહી, જેના કારણે ભારતનો સ્કોર 175 રનની અંદર જ રહ્યો. જે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રી લંકા ની ટીમે સારી શરૂઆત કરી હતી. પરંતુ એક સમયે જીત તરફ આગળ વધતી ટીમ ઇન્ડિયાના મોઢે આવેલો કોળીયો છીનવી લીધો છે.
કાલે પાકિસ્તાન જીતે તો ભારત અને અફઘાનિસ્તાન બહાર
સુપર ફોરના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો શ્રીલંકા હવે બે જીત સાથે ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાન એક જીત સાથે બીજા નંબર પર છે. બંનેનો નેટ રન રેટ હકારાત્મક છે. તે જ સમયે, ભારત નકારાત્મક રન રેટ અને બે હાર સાથે ત્રીજા સ્થાને છે. અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે. ભારતીય ટીમ પાસે હજુ પણ ફાઇનલમાં પહોંચવાની તક છે. જો કે બુધવારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તેના માટે મહત્વની રહેશે. જો આવતીકાલે પાકિસ્તાનની ટીમ જીતશે તો ભારત અને અફઘાનિસ્તાન બંને એશિયા કપમાંથી બહાર થઈ જશે.