અંબાજી : બે દિવસમાં ચાર લાખ માઇભક્તોએ ટેકવ્યું માથું
પાલનપુર : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. આ વર્ષે થયેલા સાર્વત્રિક સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઇભક્તો અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા હોવાથી પ્રકૃતિના સાંનિધ્યમાં હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાશે
વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઠેર-ઠેર વિશાળ પ્રમાણમાં સુવિધાઓ કરાઈ છે. ત્યારે ભાદરવી મહા મેળામાં બે દિવસમાં 3,90,760 યાત્રિકોએ મા અંબાના ધામમાં જઈને માથું ટેકવી ધન્ય બન્યા છે. જ્યારે ભંડારાની આવક રૂ.50,96,449 થઈ છે. દૂર-દૂરથી ચાલતા આવતા પદયાત્રીઓ હાથમાં ધજાઓ લઈને માતાજીના શિખરે ચડાવવા શ્રદ્ધા સાથે આગળ વધી રહ્યા છે. આવી 673 જેટલી ધજાઓ મંદિરના શિખરે ચડાવવામાં આવી હતી. યાત્રિકોને પ્રસાદ મળી રહે તે માટે ત્રણ જગ્યાએ પ્રસાદ વિતરણના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જ્યારે મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવાથી યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ દર્શન કરવામાં ન પડે તે માટે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. મેળાના બે દિવસ પછી હવે દિવસે દિવસે મા અંબાના ભક્તોનો ધસારો દિવસ વધુ રહેશે જેને લઇને તંત્ર ખડેપગે છે.