રોકાણ સાથે આવક મેળવવા માટે લોકો દ્વારા નવા રસ્તા શોધવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોએ કોરોના સમયમાં ઘરબેઠાં કમાણી કરવાનું માધ્યમ શેરબજારને બનાવ્યું છે જેમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં દેશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં ભારતમાં છેલ્લા 4 મહિનાની સરખામણીમાં સૌથી વધુ ડીમેટ એકાઉન્ટ ઓપન થયા છે.
શું રહ્યા છે આકર્ષણના કારણો ?
ભારતીય બજાર પર લોકોનો વધી રહેલો વિશ્વાસના પરિણામે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા પહેલીવાર 10 કરોડને પાર કરી ગઈ છે. ઓગસ્ટ 2022ના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા ઐતિહાસિક ટોચે પહોંચી છે. જેની સાથે જ એક્ટિવ રહી ટ્રેડિંગ કરતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. શેરબજારની તેજી સાથે IPO બજાર અને LICનો આઈપીઓ પણ સૌથી મોટું કી ફેક્ટર રહ્યું છે.
આ પણ વાંચો : ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી મજબૂત : RBI ગવર્નર શક્તિકાંત દાસ
જો આંકડાની દ્રષ્ટિએ જોવામાં આવે તો દેશમાં કોવિડ બાદ ડીમેટ ખાતાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અગાઉ દેશમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા લગભગ 4 કરોડ હતી એટલેકે માત્ર અઢી વર્ષના ગાળામાં કુલ રોકાણકારોની સંખ્યામાં 2.5 ગણો વધારો થયો છે. સૌથી મોટા ડિપોઝીટરી CDSL એકલા પાસે લગભગ 7.25 કરોડ ડીમેટ એકાઉન્ટ્સ છે.
ક્યા સમયે વધુ એકાઉન્ટ ઓપન થયા ?
નાણાકીય વર્ષ 2022-23 પ્રમાણે જોવામાં આવે તો એપ્રિલમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા 9.21 કરોડ હતી, જે મે મહિનામાં 9.48 કરોડ, જૂનમાં 9.65 કરોડ, જુલાઈમાં 9.83 કરોડ હતી. ડીમેટ ખાતાઓનો આ આંકડો ઓગસ્ટમાં પ્રથમ વખત વધીને 10.05 કરોડ થયો છે. જેમાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NDSL) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગત મહિનામાં 22 લાખથી વધુ નવા એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. માર્ચ 2020માં ભારતના ડીમેટ ખાતાની સંખ્યા 4.09 કરોડ હતી. અઢી વર્ષમાં લગભગ 6 કરોડ લોકોએ ડીમેટ ખાતા ખોલાવ્યા છે.
શું છે ખાતાઓની વેલ્યુએશન ?
વધુ એક રસપ્રદ આંકડો એ છે કે NSDLની કસ્ટડી વેલ્યુ એટલેકે NSDLપાસે ખોલાવેલા ડીમેટ એકાઉન્ટમાં રહેલ કુલ ખાતાઓની વેલ્યુ એપ્રિલ, 2020માં 174 લાખ કરોડ રૂપિયાથી વધીને ઓગસ્ટ,2022માં 320 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ સિવાય CDSL પાસે રહેલ 7.16 કરોડ ખાતામાં કુલ 38.5 લાખ કરોડની એસેટ અન્ડર કસ્ટડી છે.
નાણામંત્રીનું ટ્વિટ :
“Demat accounts surpass 100 million for the first time.”
“A large part of growth over the past two years has come from tier-2 and tier-3 cities.”
https://t.co/B9tMcpu3ZS— Nirmala Sitharaman (@nsitharaman) September 6, 2022
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે દેશમાં પહેલીવાર ડીમેટ ખાતાની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ છે. શેરબજારમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ્સ આવશ્યક છે અને આ ખાતાઓમાં તમામ સિક્યોરિટી ડિજિટલ સ્વરૂપમાં રાખવામાં આવે છે. ડીમેટ ખાતાઓની વધતી સંખ્યાનો અર્થ એ છે કે હવે વધુને વધુ લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે.