ગ્રેડ પે મામલે મધપુડો છંછેડાયો: ‘બાંહેધરી ન આપે તેવા પોલીસ કર્મચારીઓને રજા ન આપતા’
ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પે આપવા મામલે ગરમાવો જોવા મળ્યો છે. જોકે સરકાર દ્વારા પગાર વધારાની વાત સ્વીકારી નવો ગ્રેડ પે 1લી ઓગષ્ટથી લાગુ કરવાની વાત કરી હતી. જો કે આ મુદ્દે હજુ પણ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમાં IPS અધોકારીઓનું દબાણ હોવા છતાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ કર્મીઓ બાંહેધરી પત્રમાં સહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
SRPનાં સેનાપતિએ કરેલા હુકમે વિવાદ છેડ્યો
તેવામાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા SRPનાં સેનાપતિએ કરેલા હુકમે વિવાદ છેડ્યો છે. જેમાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે, જે કર્મચારીઓ બાંહેધરી ન આપે તેમને રજા ઉપર ન છોડવા. માત્ર એટલું જ નહીં આ આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, તેમને સીક મેમો પણ આપવામાં ન આવે. સાબરકાંઠાના મુટેડીમાં આવેલા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 6નાં કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા આ પ્રકારનો લેખિત હુકમ કરવામાં આવ્યો છે.
હુકમથી પોલીસ દળમાં નારાજગી જોવા મળી
SRP ગ્રુપના ઇન્ચાર્જ સેનાપતિના નામે કરવામાં આવેલો આદેશ સોમવારે સાંજે ઈશ્યુ કરવામાં આવ્યો છે. જેમાં કંપની કમાન્ડરને બાંહેધરી ન આપતા કર્મચારીઓને રજા ન આપવાનો સ્પષ્ટ હુકમ કરાયો છે. અને સીક મેમો આપીને રજા લઇ જતા પોલીસ કર્મચારીઓને પણ નિયંત્રણ કરવાની વાત કરવામાં આવી છે. તાજેતરમાં જ IPS અધિકારીઓ દ્વારા પોલીસ કર્મચારીઓ ઉપર એફિડેવિટ ઉપર સહી કરવાની વાતે ખાસ્સો વિવાદ થયો છે. તેવામાં SRPના સેનાપતિનો આવા હુકમથી પોલીસ દળમાં નારાજગી જોવા મળી રહી છે. આ વાત પોલીસ કર્મચારીઓના વોટ્સએપ સ્ટેટસ ઉપરથી જાણી શકાય છે. અત્યાર સુધીમાં પચાસ ટકાથી ઓછા પોલીસ કર્મચારીઓ દ્વારા આ પ્રકારના એફિડેવિટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.