ડેન્ગ્યૂનો ઉથલો : રાજકોટમાં એક સપ્તાહમાં આઠ કેસ: ઓગસ્ટમાં જ 38 કેસ નોંધાયા
રાજકોટ શહેર રોગચાળાનું ઘર બની ગયું હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યૂ સહિતના રોગચાળાએ ઉથલો માર્યો છે. એક સપ્તાહમાં જ ડેન્ગ્યૂના આઠ, ચિકનગુનિયાના એક, શરદી તાવ ઉધરસના 224, સામાન્ય તાવના 63 તેમજ ઝાડા ઉલ્ટીના 68 કેસ નોંધાયા છે.
તહેવારોના મેળાના કારણે રોગચાળાએ માથું ઉચક્યું
ઓગસ્ટ માસમાં જન્માષ્ટમી સહિતના તહેવારો પર યોજાયેલા લોકમેળા અને ખાનગી મેળાના કારણે ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક અહેવાલ મુજબ તા. તા.29 ઓગસ્ટથી તા.4સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના 8 કેસ નોંધાયા છે. જેમાં ઓગસ્ટ માસ દરમિયાન જ 38 કેસ જાહેર થયા છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 60 છે. જેમાં અડધો અડધ કેસ તો ખાલી ઓગસ્ટ માસમાં જ 38 નોંધાયા છે. આવી જ રીતે મેલેરિયાના 4 કેસ નોંધાયા છે. ઓગસ્ટ માસમાં કુલ આઠ કેસ અને આઠ માસમાં 22 કેસ જાહેર થયા છે. એક સપ્તાહ દરમિયાન ચિકનગુનિયાનો એક કેસ જાહેર થયો છે. ઓગસ્ટ માસમાં ચિકનગુનિયાના કુલ બે કેસ જાહેર થયા છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ચિકન ગુનિયાના 14 કેસ જાહેર થયા છે. મચ્છરજન્ય રોગચાળા ઉપરાંત શહેરમાં પાણીજન્ય રોગચાળએ પણ માથું ઉંચક્યું છે. ઓગસ્ટ મહિનામાં તા.29 ઓગસ્ટથી તા.4 સપ્ટેમ્બર સુધીમાં શરદી – ઉધરસના 224, સામાન્ય તાવના 63, ઝાડા – ઉલટીના 68 કેસ જાહેર થયા છે. ઓગસ્ટ માસ દરમિયાન શરદી ઉધરસન કુલ 1441, સામાન્ય તાવના કુલ 391, અને ઝાડા ઉલ્ટીના 432 કેસ જાહેર થયા છે. આરોગ્ય વિભાગ હસ્તકની મેલેરિયા શાખા દ્વારા ટાઈફોઈડ તાવ, કમળો કે મરડાના એક પણ કેસ નોંધાયો ન હોવાનો દાવો કરાયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ઉત્પતી સબબ ચેકિંગ શરૂ કરાયું
એક તરફ રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બે સપ્તાહ મચ્છર ઉત્પતી સબબ ચેકિંગ શરૂ કરીને હોટલ, બાંધકામ સાઇટ, સહિતના સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટિસ આપવાની કામગીરી શરૂ કરી હતી. આમાં 59 સ્થળોએ નોટિસ આપીને કુલ રૂ. 1,91,300નો વહિવટી ચાર્જ વસુલાયો હતો. આ કામગીરી નિયમિતરૂપે ચાલું રાખીને રોગચાળો નાથવાને બદલે બે સપ્તાહ કામગીરી કરીને ઝુંબેશ બંધ કરી દેવાઇ હતી. મેલેરિયા માસની ઉજવણીમાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકની મેલેરિયા શાખા સદંતર નિષ્ફળ ગઇ છે. મેલેરિયા શાખા દર સપ્તાહે રાોગચાળાના આંકડા સિવાય રાબેતા મુજબ અખબારી યાદીની ઝેરોક્ષ કોપી પ્રસિધ્ધ કરે છે. પણ, ઠોંસ કામગીરી કરવામાં આવતી ન હોય શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. પણ, ગ્રાઉન્ડ લેવલે કોઇ જ કામગીરી કરવામાં આવતી નથીે.આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યાનો દાવો કરાયો છે. પોરાનાશક કામગીરી હેઠળ 64,922 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ છે. તથા 1844 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાયું છે.
મચ્છર ઉત્પતિ સબબ જવાબદારો સામે કાર્યવાહી
ડેન્ગ્યૂ રોગ સામે અટકાયતી પગલાંના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 682 પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 738 આસામીને નોટીસ તથા રૂા.1,84,300નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવ્યો છે.
ડેન્ગ્યૂ, મેલેરિયા રોકવા આટલું કરો
અગાસી કે છજજામાં જમા થયેલાં વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરવો.
અગાસી, બાલ્કની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયારા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો.
પક્ષીકુંજ,પશુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વપરાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા.
અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખ્યા બાદ જ સવારે નવું પાણી ભરવું.
અગાસી, છાપરાં વગેરે પર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબલી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો.
પીવાના તથા ઘર વપ પરાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા.
ઘરની આસપાસ ખાડા-ખાબોચીયાંમાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખવું .