માલધારી સમાજને વિપક્ષનું સમર્થન: કામરેજ ચાર રસ્તા ખાતે કોગ્રેસનું ધરણા પ્રદર્શન, આગેવાનો અને કાર્યકરોની અટકાયત
સુરતઃ રખડતા ઢોરોને લઈને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈ માલધારી સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજ આ મામલે લડત લડી રહ્યો છે. માલધારી સમાજને કોંગ્રસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
ત્યારે આજે સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવાન ભોકળવાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાયના મામલે માલધારી સમાજને સમર્થન આપવા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો માટી સંખ્યામાં કામરેજ ચાર રસ્તા ખાતે એકઠા થયા હતા.
ગૌચરની જમીન ખાલી કરોના નારા સાથે ધરણા પ્રદર્શન શરૂ કરાતા જ કામરેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને તાલુકા કોગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટક કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરોને લઈ રાજ્ય સરકારે હાઇકોર્ટને ચીમકીને પગલે રાજ્યના તમામ મનપાઓ ,અર્બન ઓથોરિટી વિસ્તારને રખડતા ઢોરોને મુદ્દે મોટાપાયે ઝુંબેશ હાથ ધરી કામગીરી કરવા માટેની તાકીદ કરી છે. તંત્રની આ સઘન કાર્યવાહીને પગલે માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજ આ મામલે લડત લડી રહ્યો છે.