“હવે કોઈ આવી હિંમત નહીં કરે”….ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને ફાંસીએ લટકાવી દેવા કોર્ટનો આદેશ
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરત સેશન્સ કોર્ટે આજ રોજ સજા સંભળાવી હતી. આજે કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો હતો. નામદાર જજ વિમલ કે. વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે. ચાર્જશીટના 70 દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે.
નામદાર જજ વિમન કે. વ્યાસે મનુસ્મૃતિના શ્લોકના પઠનથી ચુકાદાની શરૂઆત કરી હતી. જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યારબાદ દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવાઈ હતી. ચુકાદો સાંભળતાં જ ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા હતા.
શું કહ્યું કોર્ટે ?
ગ્રીષ્મા હત્યા કેસમાં આજે સજા સંભળાવતી વખતે સુરત સેશન્સ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, કોર્ટ દ્વારા હત્યાની ઘટના અંગેનું વિવરણ કરાયું છે. એક હાથથી ગળું દબાવી ભોગ બનનારના ગળા પર ચપ્પુ ફેરવ્યું છે. ગળા પર ચપ્પુ ફેરવ્યા પછી લોહીના ફુવારો ઉડ્યા પણ આરોપીને દયા ન આવી. ઘટનાએ સમાજમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. કોર્ટે દરરોજ આરોપીનું નિરીક્ષણ કર્યું છે, જેમાં તેને કોઈ પસ્તાવો હોય તેવું દેખાતું નથી. ફેનિલ એક તરફી પ્રેમમાં હતો, ગ્રીષ્મા તેને પ્રેમ કરતી ન હતી. આ કિસ્સામાં બે લોકોને મારી નાખવાનો પ્રયાસ અને એક નિઃસહાય યુવતીની હત્યા કરી છે. આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે.
કોર્ટે અફઝલ કસાબના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો સાથે જ દિલ્હીના નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કરાયો હતો. કોર્ટે કહ્યું કે મરનારનું પણ એક ભવિષ્ય હતું. ત્વરિત તપાસથી આરોપીને કોઈ નુકસાન થયું નથી. કોઈ પણ વ્યક્તિ એવું કોઈ પણ કૃત્ય ન કરે જે સમાજ, મહિલાઓ માટે નુકસાનકારક હોય.
આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, 355 પાનાની ચાર્જફ્રેમ રજૂ કરવામાં આવ્યા છે. 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરાયા છે. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.
ચુકાદા બાદ ગ્રીષ્માના પિતાએ જણાવ્યું હતું કે, ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માંગણીઓ પૂરી થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામનો આભાર.