તહેવારોની સિઝનનો અંત આવતાં જ ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં સતત તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તેની સાથે પામતેલના ભાવમાં રૂ.30 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બાના ભાવમાં રૂ.500 સુધીનો ઘટાડો થયો છે, જે સાથે જ પામતેલનો એક ડબ્બો રૂ.1690 પર પહોંચ્યો છે.
વિદેશથી મોટા પ્રમાણમાં પામતેલની દેશમાં આવક થતી હોય છે. જેમાં મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે માંગ સામે પુરવાઠાનું પ્રમાણ જળવાઈ રહેવાના કારણે પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ બજારમાં વેપારીઓનું માનવું છે કે, આગામી દિવસોમાં પણ પામતેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. તથા છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલ સ્થિર જોવા મળ્યા છે. તેમાં પણ આગામી દિવસોમાં હજી થોડી રાહત મળી શકે છે. જો કે વેપારીઓનું એવું પણ માનવું છે કે, રોજરોજ અસહ્ય રીતે અને બેફામ પણે ભાવ ફેરફારના સિલસિલાથી ગ્રાહકોને માલ વેચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેથી ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી મુશ્કેલી રહેશે.
આ પણ વાંચો : GST Collection: ઓગસ્ટમાં 1,43,612 કરોડ રૂપિયાનું GST કલેક્શન, સતત છ મહિનાની માસિક GST આવક રૂ. 1.4 લાખ કરોડથી વધુ