ભારતીયો માટે ક્રિકેટ હંમેશા માટે પ્રથમ પ્રેમ રહ્યો છે તેમાં પણ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સહેવાગ સહિતના દિગ્ગજોને મેદાન ઉપર જોવા માટે દેશવાસીઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. તો તેઓની આતુરતાનો અંત આવી ગયો છે કારણકે ક્રિકેટ જગતના આ તમામ દિગ્ગજો ફરી એકવાર મેદાને ઉતરી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ રોડ સેફટી વર્લ્ડ સીરિઝ રમવાના છે. જે ટુર્નામેન્ટની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
10 સપ્ટેમ્બરથી શરૂ થશે ટૂર્નામેન્ટની બીજી સીરિઝ
મળતી માહિતી મુજબ રોડ સેફટી વર્લ્ડ સીરિઝની બીજી સિઝન આગામી 10 સપ્ટેમ્બર 2022થી 1 ઓકટોબર 2022 સુધી આયોજિત થનાર છે. રોડ સેફટી વર્લ્ડ સીરિઝની મેચ કાનપુર, રાયપુર, ઈન્દોર અને દહેરાદૂનમાં રમવામાં આવશે. રોડ સેફટી વર્લ્ડ સીરિઝની પહેલી મેચ કાનપુરમાં થશે અને બે સેમીફાઇનલ અને ફાઇનલ રાયપુરમાં રમવામાં આવશે.
ટૂર્નામેન્ટમાં આ દેશો થશે સામેલ, સચિન ઇન્ડિયન ટીમની કરશે કેપ્ટન્સી
ન્યૂઝીલેન્ડ લિજેન્ડસ આ સિઝનમાં નવી ટીમ છે અને તે દેશ અને દુનિયાભરમાં રોડ સેફટી પ્રત્યે જાગરૂકતા પેદા કરવા માટે મુખ્ય રૂપથી રમાતી 22 દિવસની ટૂર્નામેન્ટમાં ભારત, વેસ્ટઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ જેવા દેશો સામેલ થવાના છે. જે પૈકી મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ગત ચેમ્પિયન ઇંડિયન લિજેન્ડસની કપ્તાની કરનાર છે.
આટલી ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ
રોડ સેફટી સીરિઝનાં આગામી સિઝનને કલર્સ સીનેપ્લેક્સ, કલર્સ સીનેપ્લેક્સ સુપરહિટ અને નવા લોન્ચ કરવામાં આવેલ સ્પોર્ટ્સ 18 ખેલ પર પ્રસારિત કરવામાં આવશે, જ્યારે આ વૂટ એજિયો પર ડિજિટલ રૂપથી પણ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ અંગે શું કહ્યું અનુરાગ ઠાકુર-નીતિન ગડકરીએ ?
આ શ્રેણી ભારત સરકારના પરિવહન અને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને યુવા કલ્યાણ અને રમત મંત્રાલય દ્વારા સમર્થિત છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ‘મને ખાતરી છે કે રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ સામાજિક પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવશે. તે માર્ગ અને માર્ગ સલામતી પ્રત્યે લોકોના વલણને બદલવા માટે એક આદર્શ પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું. “રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ એ ક્રિકેટ દ્વારા રોડ સેફ્ટી વિશે જાગૃતિ લાવવા માટે ખૂબ જ સારી પહેલ છે. અમે ઇચ્છીએ છીએ કે દેશની દરેક વ્યક્તિ જાગૃત રહે અને રસ્તા સંબંધિત તમામ નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરે. આ માટે આપણે લોકોમાં જાગૃતિ લાવવાની છે અને મને ખાતરી છે કે આ સિરીઝ તેમાં મહત્વની ભૂમિકા ભજવશે.