સુરતઃ ગણેશજીની ભક્તિ સાથે રક્તદાન, ગૃહરાજ્યમંત્રીએ લીધા આશીર્વાદ
સુરતના ભાગાતળાવ ચૌટાબજાર વિસ્તારમાં મોટા મંદિર યુવક મંડળ દ્વારા 1968થી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કોરોનાના કપરા સમય બાદ આ વર્ષે ભાગાતળાવમાં મોટા મંદિર યુવક મંડળના ભવ્ય પંડાલની મુલાકાત લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણપતિદાદાની ભવ્ય પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવી, દર્શન કરી શ્રીજીના આશીર્વાદ લીધા હતા. તેમણે ગણેશજીની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી અને ગુજરાત પ્રગતિના પંથે ઉત્તરોત્તર આગળ વધે તે માટે દાદાને પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગણપતિની પૂજા-અર્ચનાની સાથે-સાથે મોટા મંદિર યુવક મંડળ દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય છે. કોરોનાનો વિકટ સમય વીત્યા બાદ ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાવિક ભક્તો શ્રદ્ધા-આસ્થાપૂર્વક જોડાયા છે એમ જણાવી સૌને ગણેશોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.
યુવક મંડળ દ્વારા રાજમહેલ થીમ પર ભવ્ય સુશોભન કરાયું છે. મંડળ દ્વારા રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ માટીમાંથી નિર્મિત ગણપતિની આકર્ષક પ્રતિમા સ્થાપવામાં આવી છે. છેલ્લા ૨૨ વર્ષથી દસ દિવસ ગણેશ સ્થાપનાની સાથે-સાથે સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. 10 દિવસમાં લગભગ 2000 યુનિટ રક્ત એકત્ર કરીને બ્લડ બેન્કની મદદથી જરૂરિયાતમંદોને પૂરૂં પાડવામાં આવે છે. યુવક મંડળે રક્તદાન થકી આજ સુધી 30, 000 યુનિટ રક્ત એકત્ર કરીને સેવાની જ્યોત હંમેશા પ્રજ્વલિત રાખી છે. સાથો-સાથ મોટા મંડળ દ્વારા આઈ ચેક અપ કેમ્પમાં આંખોના રોગોનું નિદાન સારવાર તેમજ મોતિયાના નિ:શુલ્ક ઓપરેશનો પણ કરવામાં આવે છે.
આ પ્રસંગે મોટા મંદિર યુવક મંડળના પ્રમુખ સંજય દલાલ, નેહલ દેસાઈ સહિત સ્વયં સેવકો, ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.