પાલનપુર : બનાસ નદીમાં ડૂબેલા ડીસાના વડાવળના યુવકની લાશ ચાર દિવસે મળી
પાલનપુર : દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યા બાદ નદીમાં છેલ્લા 10 દિવસમાં 12 થી વધુ વ્યક્તિઓ ડૂબ્યા છે. જેમાં ગત સોમવારે બપોરે ડીસા તાલુકાના વડાવળ ગામનો વધુ એક યુવક ન્હાવા જતા વહેણમાં ડૂબી જતા લાપત્તા થઇ ગયો હતો. આ યુવકની રામનગરના તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ મળી નહતી. છેવટે NDRFની15 સદસ્યોની ટુકડી બચાવના સાધનો સાથે બનાસ નદીમાં ઉતરી હતી. NDRFની ટીમના કમાન્ડર અરુણ શર્માની આગેવાની હેઠળ લાપતા બનેલા કુલદીપની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
NDRF ની ટીમે 4 દિવસ બાદ શોધી લાશ
NDRFની ટીમને વડાવળ થી ચાર કિલોમીટર દૂર આવેલા સણથ ગામની સીમમાં બાવળની ઝાડીમાં ફોગાઈ ગયેલી અવસ્થામાં યુવકની લાશ મળી આવી હતી. ચાર દિવસ બાદ NDRFની ટીમે લાશને શોધી કાઢી હતી. જેને વડાવળ લાવવામાં આવી હતી. બનાસ નદીમાં નાહવા પડેલા કુલદીપની ચાર દિવસે લાશ મળતા પરિવારમાં તેમજ ગામમાં શોકનો માહોલ વ્યાપેલો છે.