ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સ્વાઈન ફ્લુથી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જે બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિજાપુરના 71 વર્ષીય વૃદ્ધનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, વિજાપુરના 71 વર્ષીય વૃદ્ધ સ્વાઇન ફ્લુનો પોઝિટિવ રિપોર્ટ આવતાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. સ્વાઇન ફ્લુ સાથે અન્ય બીમારીમાં વૃદ્ધને ડાયાબિટીસ પણ હતો. જિલ્લામાં સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયાનો ચાલુ સાલનો આ પ્રથમ કિસ્સો છે.બીજી બાજુ બુધવારે શંકાસ્પદ સ્વાઇન ફ્લુના 4 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 2 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે એક દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સ્વાઇન ફ્લુના 8 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના 59 કેસ નોંધાયા છે. જે પૈકી 50 લોકો સ્વસ્થ થતાં રિકવરી રેટ 85 ટકા રહ્યો છે.