આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહી છે. પીએમ મોદી હોય કે કેજરીવાલ હોય તમામની નજર હવે ગુજરાત પર છે. ત્યારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બર ગુજરાત આવશે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે રાજ્યોની DST પરીષદની શરુઆત કરાવશે. બે દિવસ તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી અને સચિવની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ 100 થી વધુ સ્ટાર્ટ અપ ના સીઈઓ પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. નિતી આયોગના સભ્ય વી. કે. સારસ્વત અને કેંદ્ર સરકારના અધિકારીઓ પણ હાજર રહેશે. PM મોદી હજુ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જે દરમ્યાન તેઓએ અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમજ PM મોદીએ રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં પણ હાજરી આપી હતી.
બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અમિત શાહ ગુજરાત આવશે. 19 રાજ્યોના 1 હજાર 31 અધિકારી અને જેલ કર્મચારી ભાગ લેશે.અમદાવાદમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરશે. 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.