દેશમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. પંજાબના પટિયાલામાં આવેલી નેશનલ લૉ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. જે બાદ પરિસરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.
યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા બાદ પ્રશાસને સ્ટૂડન્ટ્સને 10 મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાનું કહ્યું છે, જેનાથી સંક્રમણને વધુ ફેલાતો રોકી શકાય. જે સ્ટૂડન્ટ્સ કોરોના પોઝિટિવ થયા છે, તેમના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યાં છે. હાલ તેમને અલગ બ્લોકમાં આઈસોલેટ કરી દેવાયા છે.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટીમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્થિતિની જાણકારી મેળવવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓ યુનિવર્સિટીની મુલાકાત કરી. માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા હજુ વધી શકે છે.
મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોલેજ-યુનિવર્સિટીના સ્ટૂડન્ટ્સ પોઝિટિવ મળી આવ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19ના 3,275 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 55 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.