પાલનપુર : ડીસામાં 400થી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશોત્સવ
પાલનપુર : ડીસામાં ગણેશ ચતુર્થીનો મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં સાર્વજનિક ગણેશોત્સવનો ક્રેઝ વધુ છે. આ વખતે ડીસામાં 400 કરતાં પણ વધુ સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. માટીની મૂર્તિ તેમજ ઇકોફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
છેલ્લા બે ત્રણ વર્ષથી પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ આવી રહી હોવાથી આ વર્ષે ઇકોફ્રેન્ડલી પ્રતિમાનો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અને મોટી સંખ્યામાં ઇકોફ્રેન્ડલી પ્રતિમા શહેરના મોટાભાગના પંડાલોમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ વર્ષે સમગ્ર શહેરમાં 400 કરતાં વધુ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીએ “શ્રી”ની મૂર્તિ લેવા વિવિધ મંડળો બેન્ડ,ડી.જે.અને ઢોલ નગારા સાથે આવી શોભાયાત્રા સ્વારૂપે ગણેશજીને લઈ જતા દિવસ ભર ડીસામાં ભક્તિનાદ ગુંજતો રહ્યો હતો.
રાજ્યમાં સાર્વજનિક ગણેશોત્સવનો ક્રેઝ વધ્યો
આ વર્ષે પણ સાર્વજનિક ગણેશોત્સવ બનાસકાંઠામાં ડીસામાં સૌથી વધુ યોજાઇ રહ્યાં છે.ખાસ કરીને માટીની તેમજ વિવિધ કલાત્મક પ્રતિમાઓની સ્થાપના ગણેશ મંડળો કરી રહ્યાં છે. આ અંગે જ્યોતિષાચાર્ય રાજુભાઇ દવેએ જણાવ્યું છે કે, ગણેશજીને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે. ગણેશજીની આરાધના તમામ વિઘ્નો દૂર કરે છે. ઉત્તમ કાર્યની સફળતા માટે પણ ગણેશજીની વિશિષ્ટ ઉપાસના થાય છે.
ડીસામાં ગણેશ મંડળો દ્વારા ભજન સંધ્યા,લોકડાયરા,દાંડિયા રાસ જેવા કાર્યક્રમો પણ યોજાશે
ગણેશોત્સવમાં આઠ દિવસ સુધી ભકતી સભર કાર્યક્રમો યોજાયા બાદ ગણેશ વિસર્જનની વિધિ પણ સામુહિક રીતે જલ ઝિલણી અગિયારસના દિવસે બનાસ નદીમાં થશે.આ દિવસે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળશે જ્યારે શહેરના રાજીવ ગાંધી કોમલેક્સમાં આવેલ શહેરના એકમાત્ર ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશજીની મૂર્તિને વિશેષ આંગી કરાઈ હતી.અહીં ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલ ઝીલણી અગીયરસ સુધી વિશેષ પૂજા અને ભક્તિ સભર કાર્યક્રમો યોજાશે.