કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતસ્પોર્ટસ

રાજકોટમાં જોવા મળશે નેશનલ ગેઇમ્સની હોકી અને સ્વિમિંગ સ્પર્ધા

Text To Speech

આગામી તા. 27-સપ્ટેમ્બરથી તા. 10 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેઇમ્સની વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટ ખાતે હોકી અને સ્વિમિંગ સ્પર્ધા યોજાશે. આ માટે રાજ્યના સ્પોર્ટસ વિભાગની સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્પર્ધા પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોક ઉત્સાહ સર્જવા તા.15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન થશે. આ અનુસંધાને મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને વિવિધ સ્પોર્ટસ સંસ્થાઓના હોદેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, ચેતન નંદાણી, સહાયક કમિશનર એચ. કે. કગથરા, આસીસ્ટન્ટ મેનેજર દિપેન ડોડિયા, તમામ સ્પોર્ટસ એસોસિએશનના હોદેદારો, રોટરી ક્લબ, ફ્ન સ્ટ્રીટ, ડી.એલ.એસ.એસ. કોચિંગ, શાળા કોલેજોના પ્રતિનિધિઓ, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

રેસકોર્સ ખાતે હોકી અને કોઠારિયા રોડ પર સ્વિમિંગ ઈવેન્ટ યોજાશે : મેયર

મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, 36મી નેશનલ ગેઇમ્સ, ગુજરાતની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ ગુજરાતના જુદાજુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. રેસકોર્સ ખાતે હોકી મેચ અને કોઠારિયા રોડ પર સ્થિત સ્વિમિંગ પૂલ ખાતે સ્વિમિંગ ઈવેન્ટ યોજાશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે ત્યારે આ આયોજનને ગરિમાપૂર્ણ ઇવેન્ટ બનાવે તેવા શાનદાર આયોજન માટે જુદીજુદી સ્પોર્ટસ સંસ્થાઓનો સહયોગ ખુબ જ જરૂરી છે. આજની મીટિંગમાં ઉપસ્થિત વિવિધ સ્પોર્ટસ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો રાજકોટના નેશનલ ગેઇમ્સની બે સ્પોર્ટસ ઈવેન્ટ્સના આયોજનમાં સામેલ થઇ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ સર્જવામાં સહભાગી બને તેવી અપીલ તેઓએ કરી હતી.

જુદીજુદી ઈવેન્ટ્સનું આયોજન અલગ અલગ સંસ્થાઓના સહયોગ સાથે થશે : પુષ્કરભાઈ પટેલ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે કહ્યું હતું કે, નેશનલ ગેઇમ્સ, ગુજરાત પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોક ઉત્સાહ સર્જવા તા.15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અનેકવિધ થીમેટીક સ્પોર્ટસ ઈવેન્ટ, કલ્ચરલ ઇવેન્ટસ, તેમજ નાગરિકોની સહભાગિતા માટે જુદીજુદી ઈવેન્ટ્સનું આયોજન અલગ અલગ સંસ્થાઓના સહયોગ સાથે થશે. જેમાં જુદીજુદી સંસ્થાઓ અલગ અલગ ઈવેન્ટ્સની જવાબદારી નિભાવી આ આયોજન સફળતાપૂર્વક પાર પડે તે માટે સંસ્થાઓના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.

જુદાજુદા રાજ્યોના ફૂડ સ્ટોલ્સ, સેલ્ફી ઝોન પણ ઉભા કરાશે : મ્યુનિ.કમિશ્નર

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ સમગ્ર આયોજનની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ નેશનલ ગેઇમ્સનાં યજમાન બનવાનો અવસર ગુજરાતને મળ્યો છે, અને તેમાં રાજકોટમાં હોકી અને સ્વિમિંગની ઈવેન્ટસ યોજાનાર છે. નેશનલ ગેઇમ્સની બે સ્પોર્ટસના યજમાન તરીકે રહેનાર રાજકોટમાં પણ આ આયોજન અનુસંધાને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને અભૂતપૂર્વ માહોલ સર્જવા, તેમજ સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે વધુ ને વધુ જાગૃતિ કેળવવા માટે વિવિધ આયોજન કરવામાં આવનાર છે. જેમાં તા.15થી 18 સપ્ટેમ્બર દરમ્યાન રોજ જુદીજુદી થીમેટીક સ્પોર્ટસ ઈવેન્ટ્સ જેવી કે ફાસ્ટ વોકિંગ, પબ્લિક માટે હોકી ગોલ ચેલેન્જ અને ફૂટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ અને ક્રિકેટ બોલ આઉટ ઈવેન્ટ્સ અને કલ્ચરલ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. મેઈન સ્ટેજ ઈવેન્ટ્સમાં જુદીજુદી રમતો જેવી કે જુડો, કરાટે, યોગા ડેમોન્સ્ટ્રેશન, મોર્નિંગ ઇવેન્ટ્સમાં ફ્ન રન, સાઈક્લોથોન, ઝુમ્બા, સ્કેટિંગ વગેરે, ઉપરાંત બ્રાનિ્ંડગ અને ઇવેન્ટ પ્રમોશન, ઉપરાંત સબ સ્ટેજ ફન ઈવેન્ટ્સમાં કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, ટગ ઓફ વોર (દોરડા ખેંચ), આર્મ રેસલિંગ, બેલેન્સિંગ એક્ટ વગેરેનું આયોજન થશે. આ ઉપરાંત લોકો માટે જુદાજુદા રાજ્યોના ફૂડ સ્ટોલ્સ, સેલ્ફી ઝોન પણ ઉભા કરવામાં આવશે.

400 ખેલાડીઓ માટે રાજકોટમાં 35 હોટલનું બુકિંગ

સથી વધારે રાજ્યના 300થી 400 જેટલા ખેલાડીઓ રાજકોટમાં આવવાના છે તેમની તમામ પ્રકારની સલામતિને ધ્યાનમાં રખાશે અને ખેલાડીઓ માટે રાજકોટની સર્વશ્રેષ્ઠ 35 હોટલોનું બુકિંગ પણ કરી દેવામાં આવ્યાનું જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારોને માહિતી આપતા ઉમેર્યું હતુ. આ તબક્કે પોલીસ બંદોબસ્ત હોટલ ખાતે તેમજ રમત-ગમતના સ્થળે પણ રખાશે. મહાપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓ સાથે તાજેતરમાં કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં મેયર અને મ્યુનિ. કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટસ કાર્નિવલનું પણ રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ગાલા ઇવેન્ટ અંતર્ગત પાંચ દિવસ રાજકોટમાં સ્પોર્ટસનો માહોલ ઉભો કરાશે. યુવાનોમાં સ્પોર્ટસ પ્રત્યે અવેરનેસ આવે તે દિશામાં ઇવેન્ટસ થશે.

Back to top button