લમ્પી વાઇરસ : પશુઓને બચાવવા ડીસાના થેરવાડાના યુવાનોએ બનાવ્યા આયુર્વેદિક લાડુ
પાલનપુર: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લમ્પી વાઇરસનો કહેર વધતો જાય છે. લમ્પી વાઇરસના પરિણામે અત્યાર સુધી અસંખ્ય ગાયો મોતને ભેટી ચૂકી છે. વધતા જતા લમ્પી વાયરસના કહેરના કારણે પશુપાલકોને પણ પોતાની ગાય મોતને ભેટતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રએ પણ પશુઓમાં વધતા જતા લમ્પી વાયરસને અટકાવવા માટે વેકસીન આપવાની શરૂવાત કરી છે.તેમ છતાં પણ સતત પશુઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે થેરવાડા ગામના યુવકોએ લમ્પી વાયરસથી પીડિત પશુઓને બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે.
લમ્પી વાયરસથી ગાયોને બચાવવા માટે આયુર્વેદિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું
લમ્પીગ્રસ્ત પશુઓને આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી રહી છે.તે ઉપરાંત પણ થેરવાડા ગામના યુવાનો દ્વારા લમ્પી ગ્રસ્ત ગાયોને બચાવવા માટે જાતે જ થેરવાડા ગામમાં આવેલ સ્માશનભૂમિ ખાતે 150 જેટલી ગાયોને લાવી સારવાર આપવાની શરૂઆત કરી છે. સતત લમ્પી વાયરસથી પશુના મોત થઈ રહ્યા છે. તેને બચાવવા માટે આ યુવાનોએ એક સેવાકીય અભિયાન શરૂ કરતા લોકો પણ તેમની આ સેવાને બિરદાવી અને તેમના આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. અને વધુમાં વધુ પશુઓ બચે તે માટે સેવા કરી રહ્યા છે.