આ વર્ષે રાજ્યમાં ચોમાસામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી.જો કે છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.તેને જોતા એવું લાગી રહ્યું છે કે વરસાદ હવે વિદાય લેશે. જો તમે આવું જ વિચારતા હોય તો આ ખોટું વિચારી રહ્યા છો કેમ કે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. નવરાત્રીથી લઈને દિવાળી સુધી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 31 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
હળવાથી ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ પવન ફૂંકાશે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારો છે.