ગણેશ ચતુર્થી

ઘર આંગણે જ ગણેશજી સ્થાપન, પૂજાવિધિના સરળ વિધિવિધાન

આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અનેક ભાવીકો દ્વારા પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવનાર છે. આ માટે ચોક્કસથી તેઓ ભૂદેવને બોલાવી વિધિ વિધાન કરવાનાં હશે પરંતુ જો તેમ શક્ય ન હોય તો તેઓ પોતાની જાતે જ વિધિ કરી સ્થાપના અને દરરોજની પૂજા કરી શકે છે.

અહિયાં જે ક્રમ અને પૂજા પદ્ધતિ બતાવી છે એ માત્ર ભાવ પૂજા છે. સનાતન ધર્મ આજ્ઞા અનુસાર કોઈપણ સત્કર્મ બ્રાહ્મણ અને દીપદેવ દીવાની હાજરીમાં થાય તો વિશેષ ફળ આપનારું બની રહે છે. માટે કોઈ બ્રાહ્મણ દેવતાને ઘરે બોલાવી વિધિ વિધાન કરાવી.

ગણેશ સ્થાપના કરવાનો ઉત્તમ સમય : ભાદરવા સુદ-૪ બુધવાર તા.૩૧, સમય : સવારે ૬ થી ૯ સવારે : ૧૦:૩૦થી બપોરે ૧૨ સુધી, સાંજે ૩ થી ૬.

જરૂરી સામગ્રી : ગણેશ મુર્તિ, લાલ રંગ સ્થાપન, ચોખા-૫૦૦ ગ્રામ, ઘઉં-૫૦૦ ગ્રામ, ત્રાંબા કળશ-૨, શ્રીફળ-૧, સોપારી-૫, નાડાછડી-૨, જનોઈ-૨, અબીલ-ગુલાલના એક-એક પેકેટ, કંકુ-૧ પેકેટ, ચંદન પાવડર-૧ પેકેટ, અત્તર શીશી-૧, ગંગાજળ-૧ બોટલ, સૂકો મેવો-૨૦૦ ગ્રામ, અગરબત્તી પેકેટ-૧ ફળ રોજનું-૧, ઘી-૫૦૦ ગ્રામ, અખંડ દીવો-૧, રૂ વાટ તથા બાકસ, પંચામૃત રોજનું એક વાટકી, રૂપિયાના સિક્કા, કપૂર ગોટી રોજની એક, તજલવિંગ-એલચી થાળી દરરોજની-૨, વાટકા દરરોજના-૨, ચમચી દરરોજની-૨, રકાબી દરરોજની-૧, આસન દરરોજનું-૧, નેપકિન દરરોજનું-૧, બાજોઠ-૧, પાટલો-૧, કાગળ પડિયા-૫૦, / ગણેશજી માટે એક નવો ખેસ, નૈવેદ્યમાં ચુરમાના લાડુ.

ફૂલહાર યાદી : મોટો ફૂલ હાર દરરોજનો૧, નાનો ફૂલ હાર દરરોજનો-૧, છૂટા ફૂલ દરરોજ, નાગરવેલ પાન દરરોજના-૫, ધરો, આસોપાલવ તોરણ-૧ તથા આસોપાલવ પાંચ પાન, ઉપર આપેલ વસ્તુઓ ડિશમાં ગોઠવી લેવી ત્યારબાદ ઉપર દર્શાવેલ મુહૂર્તોમાં ઘટ ગણેશ સ્થાપન કરવું.

વિધિ વિધાન શકય હોય તો કોઈ ભૂદેવને બોલાવી પૂજા કરાવવી, આપણું મુખ પૂર્વ દિશામાં રહે એમ બાજોઠ અને પાટલો ગોઠવવો, એના ઉપર લાલ વસ્ત્ર પાથરવું, એના ઉપર ઘઉં પાથરવા, અખંડ દીવો પ્રગટાવી દેવો, અગરબત્તી કરી લેવી, હવે બાજોઠ અથવા પાટલા ઉપર બહાર બજારમાંથી લાવેલ ગણેશ મુર્તિ મૂકવી, મુર્તિને ચાંદલો ચોખા અબીલ ગુલાલ કંકુ અર્પણ કરો, ફૂલ હાર રોજ નવો હાર અને ફૂલ અર્પણ કરવા, એ મુર્તિની બાજુમાં પાણી ભરેલ ત્રાંબા કળશ મૂકવો, ત્રાંબા કળશમાં એક સોપારી અને સિક્કો નાખવો, ત્રાંબા કળશમાં અબીલ,ગુલાલ,કંકુ,ચંદન,ચોખા,ફૂલ, ગંગાજળ,દૂર્વા અને આસોપાલવના પાંચ પાન મૂકવા, ત્રાંબા કળશને કંઠે નાડાછડી વીંટાળવી એના ઉપર નાડાછડી વીંટેલ શ્રીફળ મૂકવું, શ્રીફળને ચાંદલો-ચોખા-અબીલ-ગુલાલ, કંકુથી વધાવવું, એક નાનો ફૂલ હાર પહેરાવવો., રોજ નવો હાર પહેરાવવો, આવી રીતે કુંભનું સ્થાપન કરી દેવું એ સમયે મનમાં અથવા મોટેથી ગણેશ સ્તોત્ર બોલવો. અથવા ૐ ગં ગણપતયે નમઃનો મંત્ર બોલવો, અહિયાં સુધીની પૂજા માત્ર પ્રથમ દિવસે જ થશે.

નીચે આપેલ પૂજા પ્રથમ દિવસથી ગણેશ વિસર્જન થાય ત્યાં સુધી રોજ કરવી

એક થાળીમાં ઘરે પૂજામાં જે પત્થર કે પિત્તળની ગણેશ મૂર્તિ હોય એ મૂકવી, એની પૂજા કરવી, પોતાની બંને આંખે જળ સ્પર્શ કરવો, પોતાના જમણા હાથમાં એક ચમચી જળ લઈ પીવું, ચમચી જળ પીવાની ક્રિયા ત્રણ વખત કરવી, પછી ખાલી વાટકામાં હાથ ધોવા, પૂજા કરનાર પુરુષ હોય તો પોતાની શિખાએ જમણો હાથ અડાડી ગાયત્રી મંત્ર બોલી જવો, પૂજા કરનાર સ્ત્રી હોય તો બે હાથ જોડી ગાયત્રી મંત્ર બોલી જવો, ત્યારબાદ પૂજા માટે સંકલ્પ કરવો, એક ચમચી જળ ભરી નીચે પ્રમાણે બોલી જવું અને એ ચમચીનું જળ થાળીમાં રહેલ મુર્તિ અથવા સોપારી ઉપર પધરાવી જવું વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. ગણેશ ઉત્સવ નિમિતે… અધ્ય દિને., ભાવો ઉપચાર ગણેશ પૂજન અહં કરીષ્મે., દીવાને નમસ્કાર કરવા, સૂર્યને નમસ્કાર કરવા., ગણેશને નમસ્કાર કરવા, કુળદેવીને નમસ્કાર કરવા, ગુરુદેવને નમસ્કાર કરવા, ત્યારબાદ નીચે આપેલ ક્રમ પ્રમાણે ગણેશ પૂજન કરવું.

સહુ પ્રથમ ફૂલ હાથમાં લઈ ધ્યાન કરવું. ગણેશાય નમઃ ધ્યાનર્થે પૃષ્પમ સમર્પયામિ., પછી… દુર્વા હાથમાં લઈ આસન આપવુંગણેશાય નમઃ- આસનાર્થે દુર્વા આસન સમર્પયામિ, પછી.. મુર્તિના પગ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું- ૐ ગણેશાય નમઃ- પાઘમ જલમ સમર્પયામિ, પછી.. મુર્તિના જમણા હાથ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું- ૐ ગણેશાય નમઃ હસ્તે અર્ધ્ય જલમ સમર્પયામિ, પછી.. મુર્તિના મુખ ઉપર એક ચમચી જળ અર્પણ કરવું, ગણેશાય નમઃ મુખે આચમનમ જલમ સમર્પયામિ, પછી.. મુર્તિના મસ્તક ઉપર એક ચમચી જળ અર્પણ કરવું, ૐ ગણેશાય નમઃમસ્તકે સ્નાનમ જલમ સમર્પયામિ, પછી… મુર્તિ ઉપર પાંચ ચમચી પંચામૃત અર્પણ કરવું…. ૐ ગણેશાય નમઃ- પંચામૃત સ્નાનમ સમર્પયામિ… પછી… મુર્તિ ઉપર ચંદન વાળું જળ અર્પણ કરવુંૐ ગણેશાય નમઃ- ગન્ધોદક સ્નાનમ સમર્પયામિ…, પછી… મુર્તિ ઉપર અત્તર અર્પણ કરવું- ૐ ગણેશાય નમઃ- સુગંધી દ્રવ્યમ સમર્પયામિ…, પછી.. મુર્તિ ઉપર ગંગાજળ અર્પણ કરવું- ૐ ગણેશાય નમઃ- ગંગા જલ સ્નાનમ સમર્પયામિ, પછી.. મુર્તિને ચંદન, કંકુ, ચોખા તિલક કરવું- ૐ ગણેશાય નમઃ- ગંધ, અક્ષત, કુમકુમ, તિલકમ સમર્પયામિ, પછી.. મુર્તિને પૂષ્પ અર્પણ કરવા- ૐ ગણેશાય નમઃ- પૂષ્પમ સમર્પયામિ, પછી..મુર્તિને સ્નાન કરાવેલ જે જળ થાળીમાં હોય એમાં આંગળી અડાડી એ આંગળીને પોતાની આંખે સ્પર્શ કરવો, પછી… ખાલી વાટકામા એક ચમચી જળ વડે હાથ ધોવા, પછી ત્રાંબા કળશ હાથમાં લઇને ગણેશ સ્તોત્ર બોલતા બોલતા, થાળીમાં રહેલ મુર્તિ ઉપર જળાભિષેક કરવો, પછી… એક રકાબીમાં નાગરવેલ પાન મૂકી એના ઉપર ગુલાબની પાંખડીઓ મૂકી મુર્તિ માટે આસન તૈયાર કરવું અને પછી થાળીમાં રહેલા મુર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવી એ રકાબીમાં તૈયાર કરેલ આસન ઉપર મુર્તિ મૂકવી અને પછી… એ રકાબીવાળી મુર્તિને બાજોઠ ઉપર મૂકવી અને નીચે મુજબ પૂજન કરવું…હવે એ સ્નાન કરાવેલ મુર્તિને નાડાછડી વસ્ત્ર, જનોઈ, ચંદન, કંકુ, સિંદુર, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ, દૂર્વા, ધૂપ અર્પણ કરવા… પછી… ચુરમા લાડુ નૈવેદ્ય અર્પણ કરવા, નાગરવેલ પાન, સોપારી, તજ લવિંગ એલચી મુખવાસ અર્પણ કરવો, દક્ષિણા અર્પણ કરવી, આરતી કરવી, મંત્ર પૂષ્પાંજલી અર્પણ કરવી અને ગણેશનો જયકારો બોલાવવો… ત્યારબાદ રોજ ગણેશ સામે યથા શક્તિ મંત્ર માળા કરવી, સ્તોત્રના પાઠ કરવા.

ઘટ ગણેશ વિસર્જન : ૧ -૩ – ૫- ૭ – ૯ – ૧૧  કોઈપણ દિવસે કરવું.

વિસર્જનની પદ્ધતિ :  જે કાઇ સ્થાપના કરી એને કંકુ ચોખા ફૂલ અર્પણ કરવા અને પ્રાર્થના કરી વિદાય આપવી…, ઘરની મુર્તિ એમની જે રોજની જ્ગ્યા હોય ત્યાં મૂકી દેવો, લાલ રંગ સ્થાપન અને એમાં રહેલા અનાજ, કળશ પર રહેલ શ્રીફળ – મંદિરે મૂકી આવવું, કળશનું જળ ઘરમાં છાંટી જાવું, કળશમાં રહેલ સોપારી અને સિક્કો – એને નાડાછડી વીંટીને પોતાની તિજોરીમાં મૂકી દેવો. સાત દિવસ દરમ્યાન ચડાવેલ ફૂલ હાર પાંદડા એ બધુ જળમાં પ્રવાહિત કરવા, મોટી ગણેશ મુર્તિને જળમાં પ્રવાહિત કરી આગલા વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરી વિદાય આપવી.

Back to top button