કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

અન્નમ બ્રહ્મ યોજના : રાજકોટ શહેરમાં ૧૪૨ સેક્સવર્કરોને વિનામૂલ્યે રાશન વિતરણ કરશે વહીવટી તંત્ર

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘દરેક વ્યક્તિને અનાજ મળવું જોઈએ’ – એ ભાવથી શરૂ કરેલી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMGKAY) અનેક ગરીબોના-જરૂરિયાતમંદોના પેટ ઠારી રહી છે, તો ગુજરાત સરકારની ‘અન્નમ્ બ્રહ્મ’ યોજના હેઠળ સેક્સવર્કરોને વિનામૂલ્યે ૧૫ કિલો અનાજ પૂરું પાડવામાં આવે છે.

NACO ની મદદથી વિનામૂલ્યે અનાજ પહોંચાડવાનું શરૂ કર્યું

કોરોના મહામારી અને એ પછીની મંદીના સમયમાં ગરીબો, શ્રમિકો માટે દાલ-રોટીનો પ્રશ્ન સર્જાયો હતો. તેમાંયે સેક્સવર્કરોની હાલત તો અતિ કફોડી થઈ હતી. તેઓ ના તો જાહેરમાં આવી શકે કે ના તો કોઈની પાસે મદદ માગી શકે. આ સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર અને પૂરવઠા વિભાગે સેક્સવર્કરો સુધી અનાજ પહોંચાડવા પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રે નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (NACO)ની મદદથી, સેક્સવર્કરોની ઓળખ છતી ના થાય તે રીતે તેમને ‘અન્નમ બ્રહ્મ’ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ પહોંચાડવાનું શરૂ કર્યું હતું.

નવજીવન તેમજ લક્ષ્ય એન.જી.ઓ.ના માધ્યમથી કરાઈ છે આ કામગીરી

‘અન્નમ બ્રહ્મ’ એ ગુજરાતની સરકારની એવી યોજના છે, જેમાં રાશનકાર્ડ વિહોણા લોકોને ૧૦ કિલો ઘઉં અને પાંચ કિલો ચોખા મળીને કુલ ૧૫ કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવે છે. ગત માસમાં રાજકોટ શહેરમાં આ યોજના અંતર્ગત ૧૪૨ સેક્સવર્કરોને વિનામૂલ્યે અનાજ પહોંચાડવામાં આવ્યું હતું. પૂરવઠા વિભાગ દ્વારા નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંકલનમાં નવજીવન તેમજ લક્ષ્ય એન.જી.ઓ.ના માધ્યમથી આ કામગીરી કરવામાં આવે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, સેક્સવર્કરોની ઓળખ ના થાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં આશરે ૩૫૦થી વધુ સેક્સવર્કરોને એન.એફ.એસ.એ. કાર્ડ આપવામાં આવ્યા

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા પૂરવઠા અધિકારી અવની હરણ તેમજ પૂરવઠા વિભાગની ટીમ એન.એફ.એસ.એ.ના લાભાર્થીઓને અનાજનો પૂરવઠો નિયમિત મળી રહે તેની પૂરી દરકાર રાખે છે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત મહત્તમ લોકોને સરકારી રાશન મળી રહે તે માટે દિવ્યાંગ, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી તેમજ ગંગાસ્વરૂપા બહેનો, બાંધકામ શ્રમયોગીઓનો અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં નોંધાયેલ સેક્સવર્કરોને અન્નનો પૂરવઠો મળી રહે તે માટે એન.એફ.એસ.એ. રાશન કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આશરે ૩૫૦થી વધુ સેક્સવર્કરોને એન.એફ.એસ.એ. કાર્ડ આપવામાં આવ્યા છે. જેમને રેશનકાર્ડ પર નિયમિત અપાતા રાશન ઉપરાંત પી.એમ.જી.કે.એ.વાય. અંતર્ગત પાંચ કિલો અનાજ વ્યક્તિગત ધોરણે વિનામૂલ્યે આપવામાં આવે છે. જ્યારે ગુજરાત સરકારની અન્નમ બ્રહ્મ યોજના અંતર્ગત રાજકોટ શહેરનાં ૧૪૨ સેક્સવર્કરોને દર મહિને ૧૫ કિલો રાશન વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકારની આ યોજનાઓ અનેક જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડી રહી છે.

 

Back to top button