કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે સોફ્ટ પાવર તરીકે સિનેમા રાષ્ટ્રની બ્રાન્ડિંગ પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. મુંબઈમાં બે દિવસીય સેમિનારનાં સમાપન સત્રને વીડિયો સંદેશ દ્વારા સંબોધતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, “ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને સરકાર આજે ઉચ્ચ સ્તરે સંસ્કૃતિની ક્ષમતાને ઓળખે છે. કોઈની સંસ્કૃતિનું નિરૂપણ એ કોઈપણ દેશની સોફ્ટ પાવરનો ખૂબ જ મજબૂત ઘટક છે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિચારો માટે વૈશ્વિક બજારમાં પોતાને આકર્ષક બનાવવાની રાષ્ટ્રની ક્ષમતાઓ સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોનું એક મહત્વનું પાસું બની ગયું છે. “રાષ્ટ્રની બ્રાન્ડિંગ પહેલને લક્ષમાં રાખીને સિનેમા આ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે” એમ તેમણે ઉમેર્યું.
મંત્રીએ અવલોકન કર્યું કે ઝડપી ઉદારીકરણ, ડી-રેગ્યુલેશન, મીડિયા અને કલ્ચર ઈન્ડસ્ટ્રીનાં ખાનગીકરણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી દીધું છે અને તે જ સમયે વૈશ્વિક ડિજિટલ મીડિયા ઈન્ડસ્ટ્રીઝ અને ડિસ્ટ્રિબ્યુશન ટેક્નોલોજીનાં વિસ્તરણે એ સુનિશ્ચિત કર્યું છે કે વૈશ્વિક મીડિયા સ્પેસમાં ભારતીય મનોરંજનચેનલો અને ફિલ્મો વધુને વધુ દેખાઈ રહી છે.
વિશ્વના નકશા પર ભારતીય સિનેમાની વધતી જતી લોકપ્રિયતા વિશે બોલતા ઠાકુરે જણાવ્યું હતું કે “આજે હિન્દી ફિલ્મો સમગ્ર વિશ્વમાં એક સાથે રિલીઝ થાય છે અને તેના સ્ટાર્સ આંતરરાષ્ટ્રીય જાહેરાત અને મનોરંજન ક્ષેત્રે જાણીતા ચહેરા છે.” એમ તેમણે કહ્યું હતું.“દૂરના આફ્રિકન દેશો પણ આપણી ફિલ્મો અને સંગીતથી આકર્ષાય છે. આપણે નાઈજીરિયા જેવા દેશો વિશે જાણીએ છીએ જ્યાં નોલીવૂડ માર્કેટ ભારતીય સિનેમામાંથી ઘણી પ્રેરણા લે છે; બોલિવૂડ લેટિન અમેરિકા જેવા નહીં ખેડાયેલા દેશોમાં પણ વિસ્તર્યું છે; આપણું સિનેમા દક્ષિણ કોરિયા, જાપાન, ચીન જેવા દેશોમાં પ્રવેશ કરી રહ્યું છે,” એમ તેમણે ઉમેર્યું. મંત્રીએ ભારતીય ભાષા સિનેમા દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. “તે માત્ર હિન્દી ફિલ્મો જ નથી, પરંતુ ભારતીય ભાષાઓની ફિલ્મો પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ પ્રેક્ષકો મેળવી રહી છે.
જાહેર મુત્સદ્દીગીરીને મદદ કરવામાં ફિલ્મ ઉદ્યોગની ભૂમિકા વિશે બોલતા મંત્રીએ કહ્યું કે મોટા ડાયસ્પોરા દ્વારા સહાયિત આપણાં લોકપ્રિય સિનેમાનું વૈશ્વિકીકરણ ભારતની જાહેર મુત્સદ્દીગીરીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. તેમણે ઉમેર્યુંહતું કે “આપણે આપણી ફિલ્મ બિરાદરીની શક્તિ અને ભારતની શક્તિનો ઉપયોગ કરીને કન્ટેન્ટ બનાવવા અને વિશ્વના વિષયવસ્તુ ઉપ-ખંડ બનવા માટે ભારતની બ્રાન્ડ બનાવવા જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂર છે.”