રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ રાજકોટની મુલાકાતે, પીજીવીસીએલને લગત પ્રશ્નોની કરી ચર્ચા
રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં મળેલી બેઠકમાં સબ સ્ટેશનો, ડિવિઝન કચેરીઓ, ફિડરો, જમીન સંપાદન અને ટેકનિકલ પ્રશ્ર્નોને લગતી સમસ્યાઓની જરુરી પ્રશ્ર્નોનું ત્વરિત ઉકેલ આવે તેવા પ્રયાસો ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી સમિક્ષા હાથ ધરી હતી. દરમિયાન જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ વીજ પુરવઠાને લઇને સ્થાનિક લેવલના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે દિશામાં પીજીવીસીએલના અધિકારીઓને તલસ્પર્શી સૂચનો આપ્યા હતા. ચોમાસા દરમિયાન રાજ્યના વીજ કચેરીઓના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.
વીજપુરવઠાને લઈને સ્થાનિક લેવલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચનો અપાયા
વીજ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર હોવાનું પણ મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતે સોલાર રૂફટોપ યોજનામાં નોંધપાત્ર ખેડાણ કર્યું છે. આ સાથે ‘વન ડે-વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હેઠળ સરકાર પ્રજાના દ્વારે આવી છે તેથી જનતાની સમસ્યાઓને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાના અમારા નક્કર પ્રયાસો રહેશે. આ સાથે પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.વરુણ કુમાર બરનવાલએ સબ સ્ટેશનો, ડિવિઝન કચેરીઓ, ફિડરો, જમીન સંપાદન અને ટેક્નિકલ પ્રશ્ર્નોને લગતી સમસ્યાઓને નિવારવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું. તેમજ વીજપુરવઠાને લઈને સ્થાનિક લેવલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટર અરૂણ મહેશ બાબુએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને તલસ્પર્શી સૂચનો આપ્યા હતા.
બેઠકમાં ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
બેઠકના પ્રારંભમાં કલેકટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા મંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ વેળાએ મંત્રીએ કલેકટરની કામગીરીની પ્રસંશા કરી હતી તેમજ ચોમાસા દરમિયાન ગુજરાતભરની વીજ કચેરીઓ અને કર્મચારીઓની નોંધપાત્ર કામગીરીની નોંધ લીધી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ લાખાભાઈ સાગઠીયા, અગ્રણી મનસુખભાઈ ખાચરીયા, નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, પી.જી.વી.સી.એલ.ના જોઇન્ટ એમ.ડી. પ્રીતિ શર્મા, GETCOના એડી.ચીફ એન્જિનિયર વામજા, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, બિલ્ડર્સ, ઇન્ડસ્ટ્રી તેમજ સંબંધિત વિવિધ એસોસિએશનના પ્રમુખો તેમજ તેમજ GETCO અને PGVCLના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.