કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

હવે રામવન એન્ટ્રી ફી સાથે જ ખુલશે : જાણો ટિકિટના કેટલા રૂપિયા ખર્ચવા પડશે

Text To Speech

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને ખુલ્લા મુકાયેલા રામવનમાં વ્પાયેલી ગંદકી દુર કરવા બે દિવસ રામવન બંધ રહેવાનું છે. પણ, હવે તા. 31મી ઓગસ્ટે જ્યારે રામવન પુન: ખુલશે ત્યારે, લોકોને મફતમાં પ્રવેશ નહીં મળે. પણ રામવન નીહાળવા માટે ફી ભરવી પડશે.

બેટરી સંચાલિત કાર મુકવામા આવશે
મહાનગરપાલિકા દ્વારા રામવન માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. રામવનમાં પણ પ્રદ્યમુન પાર્કની જેમ જ ટિકિટના દર રાખવામાં આવ્યા છે. રામવન અઠવાડિયામાં એક દિવસ બંધ રખાશે. રામવનનો વ્યાપ અને વિસ્તાર વધુ હોય મુલાકાતીઓ આખું રામવન નીહાળી શકે તે માટે બેટરી સંચાલિત કાર પણ મુકવામા આવશે. જો કે, હાલમાં આવી કોઇ સગવડતા નહોય મુલાકાતીઓને પદયાત્રા કરવી પડશે. રામવનમાં મુકાયેલા અલગ અલગ સ્કલ્પચર ક્યાં રામાયણના ક્યાં પ્રસંગની સાથે જોડાયેલા છે તેની માહિતી પણ નવી પેઢીને અને બાળકોને મળી રહે તે માટે પ્રસંગોની તકતી જે તે સ્થળે મુકવામાં આવશે.

બાળકો અને વડીલો માટે ટિકિટના દર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ નજીક બનાવવામાં આવેલા અર્બન ફોરેસ્ટ (રામવન)માં જન્માષ્ટમીના મેળા દરમિયાન અઢી લાખ લોકોએ મુલાકાત લીધા બાદ રામવનમાં ફેલાયેલી ગંદકી દુર કરવા માટે બે દિવસ રામવનના દ્વાર બંધ રખાયા છે. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ કરેલી જાહેરાત મુજબ રામ વનમાં હાલના તબક્કે 3 થી 12 વર્ષના મુલાકાતીઓ માટે રૂ. 10 અને 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂ.20 પ્રવેશ ફી રહેશે. ત્રણ વર્ષથી નાના બાળકોને નિ:શૂલ્ક પ્રવેશ અપાશે. રામવનની મુલાકાતનો સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે, દર અઠવાડિયે સોમવારે રામવન બંધ રહેશે.

દર સોમવારે રામ વન રહેશે બંધ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામવન – અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ ગત તા.17ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ તા.28 ઓગસ્ટ સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમ્યાન અંદાજે અઢી લાખથી વધુ લોકોએ રામ વનની મુલાકાત લીધી હતી. તા. 29 અને તા.30 ના રોજ સફાઈ કામગીરી હાથ ધરવા માટે રામવન અર્બન ફોરેસ્ટ મુલાકાતીઓ માટે બંધ રહેશે. રામવનની મુલાકાતનો સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે તેમજ દર અઠવાડિયે સોમવારે રામવન બંધ રહેશે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

Back to top button