રખડતાં ઢોરોને મુદ્દે રાજ્ય સરકારને હાઇકોર્ટે કરેલી ટીકાના પગલે સરકાર દ્વારા રાજ્યની તમામ મનપાઓ, અર્બન ઓથોરિટી વિસ્તારોને રખડતાં ઢોરને મુદ્દે મોટાપાયે ઝુંબેશ હાથ ધરી કામગીરી માટેની તાકીદ કરી છે. જેના ભાગ રૂપે મનપા દ્વારા છેલ્લાં બે દિવસથી ગેરકાયદેસર તબેલાંઓ તોડી ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ઠેર-ઠેર કાર્યવાહી
હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા કોર્પોરેશન આકરા પાણીએ છે. શહેરના વિવિધ રસ્તા પર તંત્રએ રાઉન્ડ ધ ક્લોક ટીમો દોડાવીને રખડતા ઢોર પકડયા છે. કોર્પોરેશને સાત ટીમો બનાવી સતત ત્રીજા દિવસે 100થી વધુ ઢોર પકડીને ઢોરવાડામાં પૂર્યા છે. જયારે ખુલ્લામાં પશુઓને મુકવા બદલ 72 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમની પણ મદદ લેવાઈ છે..રાજય સરકારની સૂચના મુજબ પકડેલા પશુઓને 3 માસ સુધી છોડવામાં આવશે નહીં. છેલ્લા 3 દિવસમાં શહેરમાંથી 540થી વધુ ઢોર પકડાયા છે. જો કે રખડતા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો : AMC એ 20 હજારથી વધુ ખાડા પૂરી દીધાના દાવા સામે સ્થાનિકોએ અનોખી રીતે નોંધાવ્યો વિરોધ
સુરતમાં શું છે સ્થિતિ ?
સુરતના દરેક ઝોનમાં રખડતા ઢોર પકડવા અને ગેરકાયદેસર તબેલાઓનો સર્વે કરી એ તબેલાઓનું ડીમોલિશન કરવા માટે ઝોનની ઇજનેરી વિભાગની ટીમો ઉપરાંત ઝોન દીઠ બબ્બે ટીમો બનાવવામાં આવી છે. આ સ્પેશિયલ ટીમોમાં ઝોનના એસઆઇ, બેલદાર, માર્શલ સહિત ઢોરડબ્બાં પાર્ટીનો સ્ટાફ પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. દરેક ટીમને વાહનોની વ્યવસ્થા આપવામાં આવી છે તથા બે પાળીમાં આ ટીમો કાર્યરત રહી શકે તે માટે કુલ 18 ટીમોનું ગઠન કરાયું છે. સૌથી વિશેષ સરકારી-અર્ધસરકારી જગ્યાઓ પર દબાણ કરીને તાણી દેવાયેલ ગેરકાયદેસર તબેલાંઓ દૂર કરવા પર મનપાનો સૌપ્રથમ ફોકસ રહેશે.
તંત્ર દ્વારા રજાના દિવસે પણ તમામ ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેરોની બેઠકનું આયોજન કર્યુ હતું અને રખડતાં ઢોરોને મુદ્દે મોટાપાયે અને સતત ઝુંબેશ હાથ ધરવા માટેનો એક્શન પ્લાન નક્કી કર્યો હતો. મનપા કમિશનરે સરકારી અને અર્ધસરકારી જમીનો, જાહેર રોડો પર ગેરકાયદેસર તાણી દેવાયેલ તબેલાઓ તોડવા માટે સામૂહિક ઓપરેશન હાથ ધરવાની તાકીદ કરી છે.