એક અઠવાડિયા પહેલા મેઘરાજાએ રાજ્યમાં મેઘતાંડવ કર્યું હતું. જો કે છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. હાલ રાજ્ય પર કોઈ સીસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં હાલ ભારે વરસાદથી રાહત મળશે કારણ કે હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
અંબાલાલ પટેલ દ્વારા હળવા વરસાદની આગાહી
તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઑગષ્ટે સામાન્ય વરસાદ વરસી શકે છે. એટલે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.