નવી શિક્ષણ નીતિ અનુસાર ઓછામાં ઓછા પાંચ ધોરણ સુધી વિદ્યાર્થીને માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં ધોરણ આઠ અને એનાથી આગળ પણ ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ સાથે જ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે ત્રિભાષા ફોર્મ્યુલા અંતર્ગત દેવભાષા સંસ્કૃત અને અન્ય પારંપારિક ભાષાઓને વિકલ્પ તરીકે પસંદ કરવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. ત્યારે આપને જાણીને આનંદ થશે કે, દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં હવે સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ કરવામાં આવશે.
સોમનાથમાં આવતા યાત્રિઓનું સંસ્કૃત ભાષામાં સ્વાગત કરાશે
સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે.શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિત અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ માટે 15 દિવસના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું.જેથી હવે દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં હવે સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે. સોમનાથ મહાદેવની આરાધના કરતા પૂજારીઓ હવે વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે. અર્વાચીન ભારતનું વિકાસનું પ્રમાણ બિંદુ મનાતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના કરોડો ભાવિકો આવતા હોય છે. આ યાત્રીઓનું સ્વાગત સંસ્કૃત ભાષામાં કરાશે. આ સાથે જ સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રનો ઈતિહાસ તથા મંદિરના સ્થાપત્યની વિશેષતા પણ સંસ્કૃત ભાષામાં જણાવવામાં આવશે.
સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે સરાહનીય પ્રયાસ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગીતા જ્ઞાન આપવાની ભલામણ કરાઈ છે. તો આ તરફ સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પણ સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે સરાહનીય પ્રયાસ થઈ રહ્યો છે.સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણનું 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે.જેમાં 70 અધ્યેતા માટે સવાર અને સાંજના સમયે 2 વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ શરૂ થશે. સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા ભવનના ઓડિટોરિયમ ખાતે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત દિગ્દર્શક અને અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીના હસ્તે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનવર્સિટીના કાર્યકારી કુલપતિ, અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રશિક્ષણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.