એશિયા કપ 2022 સીઝનની બીજી મેચ આજે (28 ઓગસ્ટ) રમાશે. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે તેની પ્રથમ મેચ ભારતીય ટીમ સામે રમશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને રમશે. પાકિસ્તાનમાં પૂર પીડિતોની મદદ માટે આવુ કરવામાં આવશે.
બાબરે પૂર પીડિતો માટે પ્રાર્થના પણ કરી હતી
મેચના એક દિવસ પહેલા બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનમાં આવેલા પૂર અંગે પણ વાત કરી હતી. તેમણે લોકોને પૂર પીડિતોની મદદ કરવા અને તેમના માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી. બાબરે કહ્યું હતું કે આપણા દેશ માટે આ મુશ્કેલ સમય છે. અમે તમામ પૂર પીડિતો માટે પ્રાર્થના કરીએ છીએ.
પૂરમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાનના 3 કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જેમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્રણેય પ્રાંતોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે.
ભારતે 7 વખત એશિયા કપ જીત્યો છે
એશિયા કપ પ્રથમ વખત 1984માં યોજાયો હતો. ભારતે સૌથી વધુ 7 વખત આ ખિતાબ જીત્યો છે. જ્યારે બીજી સફળ ટીમ શ્રીલંકા છે જે 5 વખત ચેમ્પિયન રહી હતી. આ સાથે જ પાકિસ્તાને બે વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે બે અલગ-અલગ ફોર્મેટ (ODI અને T20)માં એશિયા કપ જીત્યો છે. આ વખતે પણ એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. જેમાં એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ ગ્રુપ Aમાં છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ Bમાં છે. આ વખતે ટુર્નામેન્ટમાં તમામ 6 ટીમો વચ્ચે કુલ 13 મેચો રમાશે. જેમાંથી 10 મેચ દુબઈમાં અને ત્રણ મેચ શારજાહમાં રમાશે.