ઉત્તરાખંડમાં કિચ્છા પાસે અકસ્માતમાં 8ના મોત, 37 ઘાયલ
ઉત્તરાખંડમાં રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં રાજ્યના ઉધમસિંહનગર પાસે રુદ્રપુર નજીક આવેલા કીચ્છામાં એક શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી પલટી જતાં આઠ લોકોના મોત થયા હતા. જો કે પ્રશાસને પણ પાંચ લોકોના મોતના સમાચારને સમર્થન આપ્યું છે. આ અકસ્માતમાં 37 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાંં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોતાની નજર સામે પોતાના સ્નેહીજનોના મૃતદેહ જોઈને પરિવારજનો રડી પડ્યા હતા. પોલીસ અને જિલ્લા પ્રશાસનના લોકો ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.
મૃતકો અને ઈજાગ્રસ્તો કોણ ? ક્યાં જતા હતા ?
આ સમગ્ર ઘટના મામલે પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહીતી મુજબ લગભગ 45 થી 50 શ્રદ્ધાળુઓ કે જેઓ સરહદ પર સ્થિત શક્તિ ફાર્મ વિસ્તારના બસગર ગામના રહેવાસીઓ હોય તેઓ યુપી વિસ્તારમાં આવેલા ઉત્તમનગર સ્થિત ગુરૂદ્વારામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ઉત્તમનગર ગુુરૂદ્વારામાં દર રવિવારે ગુરૂ ગ્રંથ સાહિબના પાઠ અને લંગરનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ભક્તો ટ્રોલીમાં રવાના થયા હતા. ત્યારે તેઓ સિરસા ચોકી કે જે બરેલી જિલ્લાના બહેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાંં પહોંચ્યા ત્યારે પાછળથી આવતી ટ્રકે બેકાબૂ ઝડપે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ટ્રોલી પલટી ગઈ હતી. જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાયલોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘણા ઘાયલોને કિછાના સીએચસીમાં સારવાર માટે પણ મોકલવામાં આવ્યા છે.