“વીમા પોલિસી પાકતી હોવાથી લાખો રૂપિયા મળશે” આવો ફોન કોલ આવે તો ચેતી જજો…
જેમ જેમ ટેક્નોલોજીનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ગુનાખોરીની નવી રીતો પણ શોધાતી જાય છે. જે જાણીને આપણે પણ અચંબિત થઈ જઈએ. આવો જ એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. અહીં પોલિસીના નાણા અપાવવાની લાલચ આપી નિવૃત્ત શિક્ષક સાથે 35 લાખનું ફ્રોડ કર્યું હતું. ઓનલાઈનની ફ્રોડની ઘટના અંગે સાયબર સેલે સોમવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ ઇન્ડિયા ફર્સ્ટ ઈન્સ્યુરન્સ કંપનીના અને આરબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપી વાત કરતા શિક્ષક ફસાયા હતા.
2011માં લીધેલી પોલિસી પાકતી હોવાનું કહી પડાવ્યા રૂપિયા
71 વર્ષીય નિવૃત્ત શિક્ષક પશાભાઈ હરગોવનભાઈ પટેલએ 2011માં તલોદ ખાતે એજન્ટ પાસેથી વીમા પોલીસી લીધી હતી. જેનું એક પ્રિમીયમ રૂ.50 હજારનું ભર્યા બાદ કોઈ રકમ ભરી ન હતી. 2022માં પશાભાઈ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ ઇન્ડિયા ફર્સ્ટના અધિકારી તરીકે વાત કરી પશાભાઈને તેઓની પોલીસીનો નંબર અને પાકતી મુદ્દત જણાવી હતી. આ શખ્સે હું કહું તેમ પૈસા ભરશો તો તમારી પોલીસીની રકમ અને ભરેલી રકમ પરત અપાવીશ તેમ કહ્યું હતું.
વિશ્વાસ કેળવવા RBIના નકલી અધિકારી સાથે કરાવી વાત
આ વ્યક્તિએ વધુ વિશ્વાસ કેળવવા પશાભાઈને આરબીઆઇ અધિકારી સાથે વાત કરાવવાનું કહી સાગરીતનો ફોન કરાવ્યો હતો. આ રીતે આરોપીઓએ જુદા જુદા બેન્ક એકાઉન્ટ નંબરો આપી પશાભાઈ પાસે રૂ.35,13,467ની રકમ ભરાવી હતી. જોકે તેઓની પોલીસીની રકમ કે જુદી જુદી બેંકમાં ભરેલી રકમ મળી ન હતી. આમ પોતાની સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવતા નિવૃત્ત શિક્ષકે પોલીસને જાણ કરી હતી.