લાઈફસ્ટાઈલહેલ્થ

ભાદરવામાં પિત્તપ્રકોપથી સાવધાન

Text To Speech

આયુર્વેદનાં ત્રિદોષ સિદ્ધાંત અનુસાર આરોગ્યની જાળવણી માટે વાયુ, પિત્ત અને કફનું સંતુલન જળવાય તે જરૂરી છે. પરંતુ જીવનમાં સતત બદલાવ આવતો રહેવો એ પણ કુદરતી છે. કુદરતી પરિબળો જેવાકે દિવસ અને રાત દરમ્યાન સૂર્યપ્રકાશ, તાપમાનમાં બદલાવ. ચંદ્રનો ઉદય અને અસ્તને પરિણામે જીવસૃષ્ટિ પર ચંદ્રના કિરણોની પણ અસર બદલાતી રહે છે તો વળી પંદર દિવસે બનતા પખવાડિયા દરમ્યાન જેમ-જેમ પૂનમ તરફ દિવસો જાય તેમ ચંદ્રનું બળ, તેજસ્વીતા અને ચંદ્રકિરણની સૌમ્યતા વધે છે. તેથી ઉલટું પૂનમથી અમાસ તરફ જતાં ચંદ્રનું બળ અનુક્રમે ક્ષીણ થતું જાય છે. વનસ્પતિઓની ઉત્પત્તિ, વિકાસ, જળાશયોમાં થતું પાણીનું બાષ્પિભવન, પ્રાણીઓ, મનુષ્યોનાં શરીર પર પણ સૂર્ય-ચંદ્રના કિરણોની તથા બાહ્ય વાતાવરણમાં થતાં ફેરફારની અસર અનુભવાય છે.

શરીરમાં પિત્તદોષનું પ્રમાણ ક્યારે વધે છે ?

સામાન્ય રીતે આપણે સૂર્યના કિરણોની તીવ્રતાથી અનુભવાતી ગરમી, બાફ અને તાપને ખૂબ સરળતાથી અનુભવીએ છીએ. તેવી જ રીતે સૂર્યતાપની ક્ષીણતાને પરિણામે વાતાવરણમાં વધતી ઠંડક અને રૂક્ષતાને પણ ‘ઠંડી’ તરીકે અનુભવીએ છીએ. પરંતુ આ તો બે મુખ્ય તીવ્રતમ પરિસ્થિતિનો અહેસાસ આપણે કરીએ છીએ. જયારે વાદળો બંધાતા હોય, હવામાં બાફ અને ભેજનું પ્રમાણ વધુ હોય, સતત વરસતા વરસાદમાં બધેજ આદ્રતા ફેલાયેલી હોય તેવા સમયગાળામાં શરીરમાં પિત્તદોષનું પ્રમાણ વધે છે તથા ધીરે-ધીરે જમા થાય છે. આવું સંચિત થયેલું પિત્ત વર્ષાઋતુનાં અંત બળ શરૂ થતાં ભાદરવા મહિનામાં સૂર્યતાપની તીવ્રતાથી સ્ત્રવણ-વહેવાનું ચાલુ થાય છે. જેને આપણે પિત્ત પ્રકોપ્યું એમ કહીએ છીએ. પ્રત્યેક મનુષ્યનાં શરીરમાં વર્ષાઋતુ દરમ્યાન સંચિત થયેલા પિત્ત, પ્રમાણથી વધેલા પિત્તનું સ્ત્રવણ સ્વાભાવિક છે. અહીં આપણે ધરતી અને સૂર્ય-ચંદ્રની સ્થિતિ સર્જાતી ઋતુ દરમ્યાન વાતાવરણમાં થતાં ફેરફારની વાત કરીએ છીએ ત્યારે ભાદરવા માસમાં થતાં કુદરતી ફેરફારની ભારતમાં કેવી અસર કરે તે જાણીએ છીએ. હિંદુ કેલેન્ડરનાં ભાદરવા દરમ્યાન અન્ય દેશો કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન કે પછી ઉત્તર ધ્રુવમાં ધરતી-સૂર્ય-ચંદ્રની સ્થિતિ અને સૂર્યકિરણોની તીવ્રતા કેટલી છે, તે મૂજબ ત્યાં વસતા લોકોના શરીર પર ભાદરવામાં દોષોની વધઘટ-વિકૃતિ થાય. આપણે ભારતની વાત કરીએ છીએ. આથી જ ભાદરવા દરમ્યાન સૂર્યતાપની પ્રખરતા અને પિત્તની વિકૃતિની સંભાવના માટે શું કરવું તે જાણીએ.

સૂર્યતાપ – પિત્તપ્રકોપ દરેકને થાય ?

સામાન્ય રીતે ભૌગોલિક પરિસ્થિતિ આધારિત વાતાવરણમાં થતાં ફેરફારની અસર શરીર પર થાય. પરંતુ વ્યક્તિગત જે તે વ્યક્તિની પ્રકૃતિ કેવી છે, તેના આધારિત દોષોની વિકૃતિ કે નડવાની તીવ્રતાનો આધાર રહે છે. વાત-પિત્ત, પિત્ત-કફ, વાત-પિત્ત-કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને ભાદરવા દરમ્યાન તકલીફ થવાની સંભાવના વધુ રહે છે. વાત-કફ પ્રકૃતિનાં વ્યક્તિને કફની વિકૃતિથી ખાંસી, શરદી, સાયનસાયટિસ પણ આ ઋતુમાં વધી શકે છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં શરીરનું સાહજિક બળ-વ્યાધિક્ષમત્વ ઘટે છે. પરંતુ વર્ષાઋતુ પછીનાં શરદઋતુનાં શરૂઆતનાં ભાદરવા મહિનામાં શરીરનું વ્યાધિક્ષમત્વ બળ ઘટવાથી શરદી, તાવ વગેરે સંક્રામક રોગ તો થાય છે, તે સાથે મચ્છરજનિત ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાની સંભાવના વધે છે.

ભાદરવાનાં તાપથી થતી શારીરિક તકલીફ

આંખ લાલ રહેવી, બળતરા થવી, માથું તપી જવું, ચક્કર આવવા, માઇગ્રેન, સાયનોસાયટિસ, માથાનો દુઃખાવો થવો.

અરુચિ, અપચો, ભૂખ ન લાગવી, એસિડીટી, પિત્તનાં ઝાડા, છાતીમાં બળતરા.

પેશાબ ઓછો થવો,પેશાબમાં બળતરા થવી.

હાથ-પગના તળિયામાં દાહ થવો, હથેળી-તળિયાની ચામડી રૂક્ષ થઇ ઉતરવી, ચીરા પડવા-બળતરા થવી.

શરીર ભારે અનુભવાવું, ઝીણો તાવ રહેતો હોય તેવું લાગવું.

માસિક વધુ આવવું, પીળો-બળતરા યુક્ત યોનિસ્ત્રાવ થવો.

આવી અનેક નાની-મોટી તકલીફ ભાદરવાનાં તાપની શરીર પર થતી અસરને પરિણામે થતી હોય છે. દરેક શારીરિક તકલીફના લક્ષણોને રોગનું નામ આપી નિદાન કરવું શક્ય ન પણ બને. પરંતુ દોષ આધારિત લક્ષણો અને ઋતુની અસરને ધ્યાનમાં રાખી આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિથી ખોરાકમાં સાવચેતી, લાઈફસ્ટાઈલમાં ચીવટ અને સામાન્ય ઔષધોથી તકલીફ દૂર થતી હોય છે.

શું કાળજી લેવી ?

ભાદરવાનાં તાપથી બચવા ટોપી, છત્રી વગેરેથી માથું ઢાકવું. તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે પાણી, લીંબુનું સાકરવાળું શરબત, શતાવરી-સાકરવાળું દૂધ કે મોળી-ખાટી ન હોય તેવી છાશમાં સાકર નાંખી બનાવેલી લસ્સી, ખસ-ગુલાબનું શરબત, ધાણા-વરિયાળી-સાકરનું શરબત પીવાનું રાખવું. સવારના નાસ્તામાં તીખા, તળેલા, મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ કે પછી સાકર નાંખી મીઠું કરેલું દૂધ તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો. ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય-વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાને બદલે કેળાં, સફરજન, નાસપતિ જેવા ફળો, ખજૂર-અંજીરનો નાસ્તો કરવો. જે પચવામાં સરળ રહે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડીટી-બળતરાને રોકશે. ઘરની સાફ-સફાઈ, ગાદલા-ગોદડા તપાવતા દરમ્યાન ધાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ઉભા ન રહેવું. સમયાંતરે પાણી-શરબત પીતાં રહીને ઘરની સાફ-સફાઈની પ્રવૃત્તિ કરવી. ભાદરવાનો તાપ ઘરનાં બાવા-ઝાળા, જીવાંત, ભેજની વાસ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ સફાઈ દરમ્યાન ઉડતી ધૂળ-રજકણ અને સૂર્યતાપથી સ્વયંનું રક્ષણ કરવું. ભાદરવા પછી શરદી, ખાંસી, શ્વાસ, તાવ જેવા રોગથી પીડાતા દર્દીઓની લાઈન લાગવાના કારણોમાં સાફ-સફાઈ, રંગરોગાનમાં ઉડતી ધૂળ-રજકણ અને તાપ પણ ભાગ ભજવે છે.  જીર્ણ તાવ, ઇમ્યુનીટીનાં અભાવથી થતાં રોગ વારંવાર થતાં હોય તેઓ કડુ, કરિયાતું, ગળો, સારીવા જેવા ઔષધો યોગ્ય માત્રા-વિધિથી લઇ શકે.

Back to top button