કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ કોંગ્રેસના ભવિષ્ય અને તેના આગામી અધ્યક્ષના સવાલોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે કોંગ્રેસ પાર્ટીની સેન્ટ્રલ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાશે. બેઠકમાં કોંગ્રેસ પક્ષના નવા અધ્યક્ષ અને પક્ષના આગામી અધ્યક્ષની ચૂંટણી માટેની તારીખો પર મંથન થશે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે, બેઠક બાદ તારીખોની જાહેરાત થાય તેવી શક્યતા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સોનિયા ગાંધી વર્ચ્યુઅલ રીતે સામેલ થઈને આ બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી હાલમાં મેડિકલ ચેકઅપ માટે વિદેશ ગયા છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે. સૂત્રોએ જણાવ્યું કે, રવિવારે યોજાનારી CWCની બેઠકનો એજન્ડા માત્ર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના શેડ્યૂલ પર ચર્ચા કરવાનો છે, પરંતુ તેમાં ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે પણ ચર્ચા થઈ શકે છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ બેઠકની માહિતી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખ માટેના ચોક્કસ શેડ્યૂલને મંજૂરી આપવા માટે CWCની એક વર્ચ્યુઅલ બેઠક 28 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 3:30 વાગ્યે યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી CWC બેઠકની અધ્યક્ષતા કરશે.’ જણાવી દઈએ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ યોજાનારી આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે થોડા દિવસો પહેલા નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા મોકૂફ રાખી હતી. કોંગ્રેસે ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી આ વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. CWCએ નિર્ણય લીધો હતો કે 16 એપ્રિલથી 31 મે સુધી બ્લોક સમિતિઓ અને રાજ્ય કોંગ્રેસ એકમોના એક સભ્ય માટે ચૂંટણી યોજાશે. આ પછી 1 જૂનથી 20 જુલાઈ સુધી જિલ્લા સમિતિના પ્રમુખોની ચૂંટણી યોજાશે અને 21 જુલાઈથી 20 ઓગસ્ટ સુધી રાજ્ય પ્રમુખો અને AICC સભ્યોની ચૂંટણી થશે. તો AICC અધ્યક્ષની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે.