કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના તમામ બૂથ ઉપર કાલે મતદાર યાદીમાં સુધારા-વધારા માટેની ઝુંબેશ

Text To Speech

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ તા. 21 ઓગષ્ટના રોજ તમામ મતદાન મથકોના બિલ્ડિંગ ઉપર આવેલા બૂથમાં બીએલઓ દ્વારા મતદારોના નવા નામ, સરનામા ફેરફાર, નામ કમી, નામ ઉમેરો, વિધાનસભા મત વિસ્તાર સ્થળાંતર સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરોકત તા. 21ના રોજ સાતમ-આઠમની રજાનો માહોલ હોવા છતાં 9500 ફોર્મ ભરાયા હતા. નવનિયુકત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર દ્વારા રજાના દિવસોમાં કલેકટર કચેરીના ચૂંટણી વિભાગના સ્ટાફને બોલાવી કાલની બૂથ ઉપરની મતદારોના નામ નોંધણી બાબતે જરુરી સૂચના આપી. બીએલઓને સમયસર હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર) અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન તેમજ નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરની સૂચનાથી રાજકોટ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર તથા તેમના સ્ટાફ (ટીમ) દ્વારા કાલે રાજકોટ શહેર-જિલ્લાના તમામ 2253 બૂથ ઉપર બીએલઓને સતર્ક રહેવા જણાવ્યું છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, તા. 1-10-2022ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તેવા યુવા મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે અને આવા મતદારો હજુ પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી કરાવવા માંગતા હોય તો તેમણે ફોર્મ નં-6 ભરવાનું રહેશે. કાલે રાજકોટ શહેર-જિલ્લાના તમામ બૂથ (મતદાન કેન્દ્ર) ઉપર સવારથી બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે. બૂથ ઉપર જ જરુરી ફોર્મ ભરી વિસ્તૃત પુરાવા સાથે આપી શકાશે મતદાર યાદીમાં આધાર નંબર ઉમેરવા માટે બૂથ ઉપર મતદારોએ ફોર્મ નં-6(બી) નામ કમી માટે (મૃત્યુના કિસ્સામાં) ફોર્મ નં-7 ભરવાનું રહેશે.

જ્યારે મતદારે રહેઠાણ બદલ્યું હોય તો તેવા કિસ્સામાં મતદાર યાદીમાં વિગતો સુધારવા એપિક બદલવા, દિવ્યાંગ મતદાર તરીકે નામની નોંધણી કરાવવા બાબતે બૂથ ઉપર ફોર્મ નં-8 ભરવાનું રહેશે. હાલ મતદારોના મતદાર યાદીમાં આધાર સાથે લિન્કઅપની કામગીરી ચાલી રહી છે જેમાં મતદારયાદીમાં આધારકાર્ડનો નંબર ઉમેરવા માટે ફોર્મ નં-6/બી ભરી શકાશે તેમ રાજકોટના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરે જણાવ્યું હતુ. આ ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારે ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ગમે તે એક ચાલશે.

ફોર્મ ભરવા જરૂરી પુરાવા-વિગતો

ફોર્મ નં-6 :
1) ઉંમરનો પુરાવો (કોઇપણ એક) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ધો-10 કે 12ની માર્કશીટ કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય, ભારતીય પાસપોર્ટ, અન્ય કોઇ એવો પુરાવો કે જેમાં જન્મ તારીખ દર્શાવેલી હોય.
2) રહેઠાણનો પુરાવો.
3) મોબાઇલ નંબર
4) આધાર કાર્ડ
ફોર્મ નં-6/બી :
આધારકાર્ડ અથવા મનરેગા જોબકાર્ડ, પાનકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટાવાળી બેન્ક કે પોસ્ટની પાસબુક.
ફોર્મ નં-7 :
મરણનું પ્રમાણપત્ર (મરણના કિસ્સામાં)
ફોર્મ નં-8 :
જે વિગત સુધારવી હોય તેનો પુરાવો, તાજેતરનો ફોટો (ફોટો બદલવાના કિસ્સામાં)

મતદારોએ નામ ઉમેરવા, કમી કરવા માટે કયાં કયાં ફોર્મ ભરવા જરૂરી છે?

1) પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી : ફોર્મ નં-6
2) મતદારયાદીમાં આધારનંબર ઉમેરવા : ફોર્મ નં-6/બી
3 નામ કમી કરવા (મૃત્યુના કિસ્સામાં, અન્ય દેશની નાગરિક્તા મેળવ્યાના કિસ્સામાં) : ફોર્મ નં-7
4) રહેઠાણ બદલવાના કિસ્સામાં-મતદારયાદીમાં વિગતો સુધારવા, EPIC બદલવા, દિવ્યાંગ મતદાર તરીકે નોંધ કરાવવા : ફોર્મ નં-8

કાલે રોલ ઓબ્ઝર્વર દિલીપસિંહ રાણા રાજકોટમાં
રાજકોટ શહેર તેમજ જિલ્લાના 2253 મતદાન મથકો ઉપર રાજકોટ જિલ્લા માટે જેમની નિમણૂંક કરવામાં આવી છે તે ‘રોલ ઓબ્ઝર્વર’ દિલીપસિંહ રાણા કાલે સવારે રાજકોટ ખાતે આવીને અમુક મતદાન મથકોની સરપ્રાઇઝ મુલાકાત લેશે. બૂથ ઉપર બીએલઓ દ્વારા ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરશે, સાથોસાથ મતદારોને ફોર્મ ભરવાથી માંડી બૂથ ઉપર કંઇ મુશ્કેલી પડે છે કે કેમ ? તે અંગે મતદારોની પૃચ્છા કરશે તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર સાથે રહેશે.

Back to top button