જુનાડીસા નદીમાં ડૂબેલા યુવકોનો 20 કલાક બાદ પણ કોઈ પતો ન લાગ્યો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારનો દિવસ જાણે કાળ બનીને આવ્યો હોય, તેમ બનાસ નદીમાં ડેમમાંથી પાણી છોડાયા બાદ જુનાડીસા પાસે વહી રહેલી નદીમાં સાંજે 4 થી 5 વાગ્યા આસપાસ ત્રણ યુવકો ન્હાવા જતા તણાઈ ગયા હતા. બે યુવકોને બચાવવા જતા ત્રીજો યુવક પણ તણાઈ ગયો હતો. જેને લઈને જુનાડીસા ગામના દોડધામ મચી ગઈ હતી. ગામના જ ત્રણ યુવાનોમાં ઘાસુરા બદરી આલમ, સુમરા ઇકબાલભાઈ અલ્લા રખ્ખા અને સુમરા ઈલિયાસ મહમ્મદભાઈ હોવાના સમાચાર જુનારીસા ગામમાં ફેલાઈ ગયા હતા.જેને લઈને ગામમાંથી મોટાભાગના લોકો નદી કિનારે પહોંચ્યા હતા. આ અંગે તંત્રને જાણ કરાતા તંત્ર પણ ત્યાં પહોંચ્યું હતું. અને નદીમાં લાપતા બનેલા ત્રણેય યુવકોને નદીમાંથી શોધી કાઢવા માટે મોડી સાંજ સુધી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ રાત્રી પડતા ફરીથી સવારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં દાંતીવાડા અને થરાદથી તરવૈયાઓ સુલતાન મીરને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિના સમયે દીકરાઓની રાહ જોતા તેમના પરિવારના સભ્યો આખી રાત નદી કિનારે બેસી રહ્યા હતા. આ ઘટનાને લઈને ગામમાં ચિંતા સાથે શોક જેવો માહોલ છવાયેલો રહ્યો છે.
શુક્રવારે સવારે તંત્ર દ્વારા જેસીબી મશીનની મદદથી નદીના પાણીના પ્રવાહને બીજી તરફ વાળવાનો પ્રયાસ કરાયો હતો. અને તરવૈયાઓ સાથે નાવ, દોરડા જેવા અન્ય બચાવના સાધનો લઈને નદીના પ્રવાહમાં તરવૈયાઓને ઉતારી લાપતા બનેલા યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ગુરુવારે સાંજે 5:00 વાગ્યાથી બપોરે શુક્રવાર બપોરે 2:00 વાગ્યા સુધીમાં 20 થી 22 કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી આ ત્રણે લાપતા બનેલા યુવકોનો કોઈ પતો લાગ્યો નથી. જેથી પરિવારજનો ચિંતાતુર બન્યા છે. અને હજુ પણ તેમની શોધવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આખા ગામમાંથી મોટાભાગના લોકો નદી કિનારે પહોંચ્યા છે.
રેતીના ખાડા કાળ બન્યા?
બનાસ નદીમાં તંત્ર દ્વારા રેતી માટેની લીઝ આપવામાં આવતી હોય છે. આ રેતી નદીમાંથી સતત કાઢવાથી નદીના પટમાં અનેક જગ્યાએ 30 થી 35 ફૂટના ઊંડા થઈ જતા હોય છે. જ્યારે નદીનું પાણી આવા ખાડામાં ભરાઈ જાય છે. જેના કારણે ઘણી વાર આવા મોટા ખાડાઓ કાળ સમાન પુરવાર થાય છે. જેમાં કોઈપણ વ્યક્તિ ફસાય તો બહાર નીકળી શકતો નથી. ક્યારેક મોતનું કારણ બની જાય છે. વળી ડીસા નગરપાલિકા પાસે ઊંડાણમાં ફસાયેલી લાશ કાઢવા કોઈ સાધનો પણ નથી.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું: માત્ર ચોર નહીં ઢોરને પણ પકડો
લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતા ફરિયાદ
જુનાડીસાના ત્રણ યુવકો નાહવા પડતા તણાયા હતા. તે સંદર્ભમાં લોકોને જાગૃત કરવામાં આશયથી એક વ્યક્તિએ ફેસબુકમાં પોસ્ટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, “જુનાડીસામાં ત્રણ લોકો ડૂબી ગયા છે. નદીમાં ખાડા પડેલા છે. જેથી અજાણ્યા પાણીમાં ન જવા બે હાથ જોડીને વિનંતી….” આ પોસ્ટની સામે રાનેર ગામના જાદવ જગરાજસિંહના ફેસબુક આઇડી ઉપરથી “કોઈ વાંધો નહીં મુસ્લિમ છે” આવી કોમેન્ટ કરતા જુનાડીસાના મુસ્લિમ સમાજમાં આ કોમેન્ટને લઈને નારાજગી પ્રસરી હતી. અને કોમેન્ટ કરનાર જગરાજસિંહ જાદવ સામે જનાડીસાના ચૌહાણ યુનુસખાન યાસીનખાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.