ટોપ ન્યૂઝવર્લ્ડ

યુએનમાં પહેલી વખત ભારતે કર્યું રશિયા વિરુદ્ધ મતદાન, જાણો શું છે સમગ્ર મામલો ?

Text To Speech

યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેન પર પ્રક્રિયાગત મત દરમિયાન ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. 15-સભ્ય યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને આ સમયગાળા દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું. રશિયન સેનાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. ત્યારપછી ભારતે યુક્રેનના મુદ્દે પહેલીવાર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. અત્યાર સુધી નવી દિલ્હી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેનનો મામલો ટાળી રહી છે, જેનાથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો નારાજ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં રશિયન સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતે યુક્રેનના મુદ્દા પર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે. જોકે યુક્રેન સામે મોસ્કોના આક્રમણ બદલ ભારતે રશિયાની ટીકા કરી ન હતી. નવી દિલ્હીએ વારંવાર રશિયન અને યુક્રેનિયન પક્ષોને મુત્સદ્દીગીરી અને સંવાદના માર્ગ પર પાછા ફરવા માટે આહ્વાન કર્યું છે અને બંને દેશો વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ રાજદ્વારી પ્રયાસો માટે પોતાનું સમર્થન પણ વ્યક્ત કર્યું છે.

યુક્રેનની આઝાદીની 31મી વર્ષગાંઠ પર છ મહિના સુધી ચાલેલા યુદ્ધની સમીક્ષા કરવા બુધવારે સુરક્ષા પરિષદે એક બેઠક યોજી હતી. મીટિંગ શરૂ થતાં, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી એ. નેબેન્ઝિયાએ, વિડિયો ટેલિ-કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં ઝેલેન્સકીની ભાગીદારી અંગે પ્રક્રિયાગત મતની વિનંતી કરી. આ પછી 13 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે રશિયાએ આ આમંત્રણની વિરુદ્ધમાં મતદાન કર્યું અને ચીને મતદાન કર્યું નહીં.

Back to top button