ડીસા બાર એસોસિયેશન દ્વારા સુરતના એડવોકેટ પર થયેલા હુમલાનો કર્યો વિરોધ
પાલનપુર: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ઘટના સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાના પગલે વકિલોમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજે ડીસા બાર એસોસિયેશન દ્વારા ન્યાય સંકુલની બહાર દેખાવો કરી નારા લગાવ્યા હતા. અને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, ભષ્ટ્રાચારીઓ સામે અવાજ ઉઠાવતાં સુરતના એડવોકેટ મેહુલભાઈ બોઘરા પર જે હુમલો કરવામાં આવ્યો છે, તેના હૂમલાખોર સાજન ભરવાડ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ એડવોકેટ મેહુલભાઈ બોઘરા પર થયેલ ખોટી ફરીયાદ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જ્યારે ગુજરાતમાં વકિલો સલામત નથી. ત્યારે આમ જનતાની શું હાલત થતી હશે? તેવા સવાલો એડવોકેટ પી. આર. સોલંકી દ્વારા કરવામાં આવ્યા હતાં. ત્યારે તાત્કાલિક અસરથી સુરતના એડવોકેટ મેહુલભાઈ બોઘરા પર હુમલો કરનાર શખ્સ સાજન ભરવાડ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડીસા બાર એસોસિયેશન દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.