કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

રાજકોટની સબરજિસ્ટ્રાર કચેરી ઝોન-1ની ઉપર નવા આકાર પામેલા બિલ્ડિંગમાં ફર્નિચરનો અભાવ

Text To Speech

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કરોડોના ખર્ચે વિકાસ કામો થઇ રહ્યા છે ત્યારે શહેરમાં આજે પણ વિવિધ સરકારી કચેરીઓ હજુ ભાડાના મકાનમાં (બિલ્ડિંગ) બેસે છે. વર્ષોથી ભાડાના મકાનમાં કાર્યરત સબરજિસ્ટ્રાર સહિતની અનેક સરકારી કચેરીઓ માટે આજ સુધી કોઇ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો નથી. સબરજિસ્ટ્રાર કચેરી કે જેની દર મહિને કરોડોની આવક સરકારની તિજોરીમાં જમા થાય છે તે રાજકોટની આઠ ઝોનની સબ રજિસ્ટ્રાર કચેરીના અમુક ઝોન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં તો બે ઝોન જૂની કલેકટર કચેરીમાં કાર્યરત છે. રાજકોટ શહેરની મુખ્ય ઝોનલ કચેરી એટલે કે સબરજિસ્ટ્રાર કચેરી જૂની કલેકટર કચેરીની બાજુમાં નવા બિલ્ડિંગમાં કાર્યરત છે. આ મુખ્ય ઝોનલ કચેરીમાં નીચેના ભાગમાં ફકત ઝોન-1ની સબરજિસ્ટ્રાર કચેરી કાર્યરત છે. જ્યારે આ મુખ્ય બિલ્ડિંગ માર્ગ અને મકાન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવી રહ્યું હતુ ત્યારે જે તે સમયના તત્કાલિન જિલ્લા કલેકટર દ્વારા ઝોન-1ના બિલ્ડિંગની ઉપર અન્ય ઝોનની કચેરીઓ બેસે તેવા પ્રકારના બાંધકામ માટે સૂચન કર્યું હતુ પરંતુ ત્યારે એક જ ફલોર બની શકે. ગ્રાઉન્ડ ફલોરથી વધારે બાંધકામ શકય ન હોવાની માર્ગ અને મકાન વિભાગે જાણકારી આપી હતી પાયા રેતીના કારણે ઉંડા થઇ શકે તેમ નથી જ્યારે આજે આ જ ઝોન-1ના મુખ્ય કચેરીના બિલ્ડિંગની ઉપર નવો ફલોર (માળ) ઉભો કરવામાં આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી જૂની કલેકટર કચેરીની બાજુમાં ઝોન-1ના મુખ્ય બિલ્ડિંગની ઉપરના ભાગમાં તૈયાર થઇ ગયેલા ફલોર શોભાના ગાંઠિયા જેવા બની રહ્યા છે આ પ્રથમ માળ ઉપર ઝોન-2 અને 8 માટેની કચેરીઓ ઉભી કરવામાં આવી છે પરંતુ લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર નવા બિલ્ડિંગના પ્રથમ ફલોર ઉપર ફર્નિચર બનાવવા માટે આજ સુધી કોઇ કામગીરી હાથ ન ધરવામાં આવતા બિલ્ડિંગ બંધ પડ્યું રહ્યુ છે. પ્રથમ માળ તૈયાર છે પરંતુ ફર્નિચરના વાંકે કાર્યરત કરાયો નથી.

નવા તૈયાર થયેલા પ્રથમ ફલોરમાં વરસાદી પાણી પડી રહ્યાની ફરિયાદ
લાખોના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરની આઇ.પી. મિશન હાઇસ્કૂલ સામેના ભાગમાં ડિસ્ટ્રીકટ કોર્ટવાળા રોડ ઉપર સબરજિસ્ટ્રાર કચેરીની મુખ્ય બિલ્ડિંગ ઉભી કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફલોર ઉપર નવો એક ફલોર ઉભો કરવામાં આવ્યો છે જેમાં સબરજિસ્ટ્રાર કચેરીના ઝોન-2 તેમજ 8ના ઓફિસર કાર્યરત થશે. હાલ આ ઝોન જૂની કલેકટર કચેરીમાં શરુ છે ફર્નિચર પ્રથમ ફલોર ઉપર બનાવવામાં આવ્યું ન હોઇ આ કચેરીનું બાંધકામ તૈયાર છતા બિનઉપયોગી પુરવાર થયુ છે. ફર્નિચર માટે ટેન્ડર અપાયુ છે કે કેમ ? નવા બિલ્ડિંગમાં ભેજ, લુણો અને વરસાદના પાણી પડવાની અત્યારથી જ ફરિયાદો ઉભી થવા લાગી છે.

શહેરની વિવિધ ઝોન હેઠળની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સુવિધાનો અભાવ
રાજકોટ શહેરની અમુક સબરજિસ્ટ્રાર કચેરીઓ ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં તેમજ બે ઝોનની જૂની કલેકટર કચેરીમાં કાર્યરત છે. આવા સંજોગોમાં અરજદારો માટે ઝોનની જુદી-જુદી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં બેસવા માટે કોઇ સુવિધા નથી. મહિને કરોડોની આવક કરી આપતી રાજકોટની સબરજિસ્ટ્રાર કચેરી નધણિયાત અને ખંડેર જેવી હાલતમાં મુકાઇ ગઇ છે. કચેરીઓમાં અરજદારોને મુશ્કેલી પડી રહી છે જમીન, મકાનના દસ્તાવેજની નોંધણી માટે આવતા સિનિયર સિટીઝનોની ઉપેક્ષા થાય છે તેમના માટે બેસવાની કોઇ વ્યવસ્થા નથી, ઠેરઠેર ગંદકી, કચરાથી ખદબદતી ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસની સબરજિસ્ટ્રાર કચેરીની અધિકારી મુલાકાત લેતા નથી.

Back to top button