રાજકોટની આ ઐતિહાસિક ધરોહરનો વિવાદ વકર્યો, હેરિટેઝ બિલ્ડિંગ ખાનગી સંસ્થાને કેમ સોંપ્યું ?
રાજકોટની ઐતિહાસિક ધરોહર સમી કરણસિંહજી હાઇસ્કૂલના જૂના, જર્જરિત બિલ્ડિંગનો કબજો ખાનગી સંસ્થાને સોંપી દીધા બાદ વિવાદ શમતો નથી બીજી તરફ વિદ્યાર્થી સંગઠ્ઠન, વાલી મંડળ કે જેઓ વિદ્યાર્થીઓનું હિત જુએ છે તેઓ પણ મૌન દાખવી રહ્યા છે. કરણસિંહજી હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક અને રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત સિદ્ધરાજસિંહ ઝાલાએ પોતાનો વિરોધ નોંધાવી આ ઐતિહાસિક કરોડોની કિંમતી જમીન શૈક્ષણિક હેતુથી જો સરકાર ખાનગી સંસ્થાને આપવા માંગતા હોય તો અન્ય કેટલીય રાજકોટમાં શૈક્ષણિક, અનુભવી સંસ્થાઓ છે તેને કેમ ન આપી ? જાહેરાત, ટેન્ડર કેમ બહાર ન પાડ્યું ? વાત આટલેથી જ અટકતી નથી પરંતુ શિક્ષણ પ્રત્યે પોતાની જાત અને જિંદગી સમર્પિત કરી દેનાર બાહોશ અને કાર્યદક્ષ એવા કરણસિંહજી હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક સિદ્ધરાજસિંહે આક્રોશ વ્યકત કરી જણાવ્યું હતુ કે એક સ્કૂલ હાલ કરણસિંહજી હાઇસ્કૂલના નામે ચાલે છે. છાત્રોને મફતમાં શિક્ષણ આપી રહી છે ત્યારે આ નવી હાઇસ્કૂલ શરુ કરવા કે ખાનગી સંસ્થાને સોંપવાની શું જરુર હતી ? બીજી તરફ આગામી દિવસોમાં હાલની કરણસિંહજી હાઇસ્કૂલ બંધ કરી દેવાશે ? અને ખાનગી સંસ્થાને જે બિલ્ડિંગ સોંપવામાં આવ્યું છે તે શરુ કરી દેવાશે ? હાલની હાઇસ્કૂલનું શું થશે ?
કરણસિંહજીના આચાર્યને પણ ‘કરાર લેટર’ ન મળતાં અનેક તર્કવિતર્ક
રાજ્યના શિક્ષણ વિભાગે કરણસિંહજી હાઇસ્કૂલના ઐતિહાસિક બિલ્ડિંગને ખાનગી સંસ્થાને સોંપવા માટે જે ‘કરાર’ ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કર્યા છે તે જાહેર કેમ કરવામાં આવતા નથી ? તેવો સચોટ અને વેધક સવાલ સિદ્ધરાજસિંહ ઝાલાએ ઉઠાવ્યો હતો. જમીન સરકાર પાસે રહેવાની છે તો કરાર પત્ર કેમ જાહેર કરાતો નથી. કરણસિંહજી હાઇસ્કૂલના આચાર્ય તેમજ જિલ્લાના ડીઇઓ પણ ટર્મ્સ કન્ડિશન (શરત) બાબતે અજાણ છે આચાર્યને પત્ર આપ્યો નથી અત્યંત ખાનગી કેમ રાખવામાં આવે છે ? તે બાબતે અનેક તર્કવિતર્ક વહેતા થયાનું સિદ્ધરાજસિંહે જણાવ્યું હતુ.
નવું બિલ્ડિંગ સંસ્થાના નામે રહેશે કે કરણસિંહજી હાઇસ્કૂલના નામે ? નામકરણનો વિવાદ
રાજકોટની મધ્યમાં આવેલી ઐતિહાસિક અને રાજવી પરિવાર દ્વારા ઉભી કરવામાં આવેલી 128 વર્ષ જૂની કરણસિંહજી હાઇસ્કૂલના જૂના બિલ્ડિંગનો કબજો ખાનગી સંસ્થાને સોંપી દેતાં શૈક્ષણિક આલમમાં ભારે કચવાટ પ્રસરી રહ્યો છે. ખાનગી સંસ્થા કયા નામથી નવા બિલ્ડિંગમાં શૈક્ષણિક કાર્ય શરુ કરશે ? કરણસિંહજી નામ રહેશે કે તેનું નામ બદલી ખાનગી સંસ્થા પોતાના નામે જૂના બિલ્ડિંગમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરશે ? હાલ કરણસિંહજી હાઇસ્કૂલમાં ઘણી જગ્યા છે તેમાં સંસ્કૃત પાઠશાળા, સંગીત શાળા સહિતની પ્રવૃત્તિ થઇ શકે તેમ હોવા છતાં જૂના હેરિટેઝ ગણાતા બિલ્ડિંગને પાડી ખાનગી સંસ્થાને સરકારે કેમ સોંપી…?