કોપનહેગનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમના યુરોપીયન પ્રવાસ પર ડેનમાર્ક પહોંચ્યા હતા. કોપનહેગનમાં ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ડેનમાર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવા બેલા સેન્ટર પહોંચ્યા. આ દરમિયાન મોદી સાથે સ્ટેજ પર ડેનિશ પીએમ ફ્રેડ્રિકસન પણ હાજર હતા. પીએમ આવતાની સાથે જ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. ફ્રેડ્રિકસને પીએમ મોદી પહેલાં લોકોને સંબોધિત કર્યા.
તમારું સ્વાગત કર્યું એ મારા માટે ગર્વઃ ફ્રેડરિકસન
કોપનહેગનમાં તેમના સંબોધનમાં ફ્રેડરિકસને કહ્યું કે, ‘અહીં તમારી સાથે રહીને મને ઘણો આનંદ થાય છે. મારા મિત્ર નરેન્દ્ર મોદી, અમે તમારું સ્વાગત કરી શક્યા એનું મને ખૂબ જ ગર્વ છે. હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. હું ખૂબ જ ખુશ છું કે આજે હું તમારી સાથે અહીં છું. મને લાગે છે કે આજે આપણે સાથે મળીને બતાવીએ છીએ કે આપણી મિત્રતા અને પરિવારના સંબંધો કેટલા મજબૂત છે. તમારા બધા વિના આ શક્ય ન બન્યું હોત.’
‘ડેનિશ જનતાને પણ રાજનેતાનું સ્વાગત કરવાનું શીખવો’
ફ્રેડ્રિકસને ડેન્માર્કમાં રહેતા અને કામ કરતા તમામ ભારતીયોનો આભાર વ્યક્ત કર્યો જેમણે ડેનિશ સમાજમાં સકારાત્મક યોગદાન આપ્યું છે. તેમણે ભારતીય સમુદાયને કહ્યું કે, ‘આપ સૌનો આભાર. મારે કહેવું જ જોઇએ કે એક રાજનેતાનું સ્વાગત કરવું ખૂબ જ સરસ છે. કૃપા કરીને ડેનમાર્કના લોકોને પણ આ શીખવો. ભારત અને ડેનમાર્ક વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.’