‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની સુરતમાં વિશેષ ઉજવણી
24 ઓગસ્ટનો દિવસ વિશેષ છે કેમકે આપણા ગુજરાતી ભાષાના પ્રખ્યાત નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ છે. કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના દિવસે સુરતમાં થયો હતો. આ જ દિવસને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવે છે. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે પણ વિરોધ કરનાર નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે ગાંધીજી અને નહેરૂથી પાંચ સદી પહેલા વિચાર મૂકનાર નર્મદ સમયથી ઘણા આગળ હતા.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસને તેમની સાથે સાંકળીને ભાષાનું ગૌરવ જ વધ્યું છે. આજે વિશ્વભરના ગુજરાતીઓ આ દિવસને તેના સાચા અર્થમાં ઉજવે છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ નર્મદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદના ગોપીપુરાના ઐતિહાસિક નિવાસસ્થાન અને ગાંધીબાગ ખાતે કવિ નર્મદને જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.
નર્મદને સુતરાંજલિ અર્પણ
નર્મદ જયંતિ પર સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સૌપ્રથમ ગોપીપુરા ખાતે આવેલા નર્મદના ઐતિહાસિક મકાન પર પહોંચ્યા હતા. ત્યાં નર્મદ જયંતિની ઉજવણી કરી હતી. ત્યારબાદ ગાંધીબાગમાં આવેલા નર્મદના બાવલાને સુતરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નર્મદના વિચારો રજુ કરવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા જણાવ્યું હતું કે, સુરતની આ ધરતી પર કવિ નર્મદનો જન્મ થયો હતો, અને તેમણે જે કાર્ય કર્યું હતું. તેના માટે દરેક સુરતી ગર્વ વ્યક્ત કરે છે. કવિ નર્મદ વિધવા પુન:વિવાહ અને એજ્યુકેશન પર મહત્વ આપતા હતા. તેમણે લોક જાગૃતિના ખૂબ કાર્ય કરી શકાય તેવુ કામ ડાંડિયો દ્વારા કર્યું હતું. ત્યારે આ નર્મદ જયંતિ પર તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને નતમસ્તક થયા છે.